Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ગાંધીનગરમાં સે-6માં જર્જરિત સરકારી આવાસો તોડીને નવા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે

ગાંધીનગર:શહેરના સેક્ટરોમાં જુના અને જર્જરીત સરકારી આવાસો તબક્કાવાર તોડવામાં આવી રહ્યાં છે. જ્યારે જુના આવાસો તોડવાની સાથે નવા આવાસો બાંધવા માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. સેક્ટર-૬/ડીમાં પણ નવા આવાસો તૈયાર કરવા માટે કામ પુર જોશમાં શરૂ છે તેવી સ્થિતિમાં સે-૬માં જ પોલીસ સ્ટેશનની સામેના ભાગે આવેલા જ-૧ કક્ષાના ૪૦થી વધુ બ્લોક તોડી પાડીને અહીં ૫૦ કરોડના ખર્ચે ચ- ટાઇપના ૧૦ ટાવર ઉભા કરીને ૨૮૦ સરકારી આવાસો બનાવવામાં આવશે.

ગાંધીનગરમાં દાયકાઓ જુના સરકારી આવાસો રહેણાંકને લાયક રહ્યા નથી. એટલુ જ નહીં, સેક્ટરોમાં સ્થિત વિવિધ કેટેગરીના  આવાસો પૈકી મોટાભાગના બ્લોક જોખમી હોવાનું પણ ટેકનીકલ સર્વેમાં બહાર આવ્યું છે. જ્યારે છેલ્લા એક દાયકામાં ઘણા ખરા મકાનો તોડી નાંખવામાં આવ્યા છે. હજુ પણ સેક્ટરોમાં સર્વે દરમિયાન અત્યંત જોખમી આવાસોને તોડવા માટે તબક્કાવાર કામ હાથ ધરવામાં આવી રહ્યું છે.આ જોખમી આવાસો તોડી પાડીને ખુલ્લી થયેલી જગ્યામાં ટાવરો ઉભા કરીને નવી સરકારી કોલોની બનાવવાનું આયોજન માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવે છે.  

 

(5:16 pm IST)