Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ગનના વેચાણમાં અધધ ૧૧૮ ટકાનો વધારોઃ ૯૩૦૦થી વધુ વેચાઈ

૨૦૧૬-૧૭માં જ કુલ વેચાણના ૨૫ ટકા (૨૩૪૬ ગન)ની ખરીદીઃ ૨૦૧૮-૧૯માં ૧૨૬૨ ગનનું વેચાણ : અમદાવાદમાં ૧૩૪૦ અને રાજકોટમાં ૧૧૬૧ બંદૂક વેચાઈઃ જેમાં એનપીબી ગન, રિવોલ્વર, પિસ્તોલ અને રાઈફલનો સમાવેશ

અમદાવાદઃ ડિસેમ્બરમાં મળેલા બજેટ સત્રના સેશનમાં પૂછાયેલા એક પ્રશ્નમાં સામે આવ્યું છેકે, છેલ્લા ૫ વર્ષમાં (૧ જુલાઇ ૨૦૧૪ થી૩૦ જૂન ૨૦૧૯) ગુજરાતમાં ૯૩૮૭ ગનનું વેચાણ થયું છે. જેમા અમદાવાદ અને રાજકોટ ટોપ પર છે. જેમાં ૧૩૪૦ ગનના વેચાણ સાથે અમદાવાદ પ્રથમ જયારે રાજકોટ ૧૧૬૧ સાથે બીજા નંબરે છે. ૯૩૮૭ ગનમાં એનપીબી ગન, રિવોલ્વર, પિસ્તોલ અને રાઈફલનો સમાવેશ થાય છે. સેલ્ફ પ્રોટેકશન અને ક્રોપ પ્રોટેકશન માટે લોકો સૌથી વધુ ગન ખરીદતા હોવાનું પણ સામે આવ્યું છે.

રાજયમાં છેલ્લા ૫ વર્ષમાં બંદૂકના વેચાણમાં ૧૧૮ ટકા જેટલો વધારો થયો છે. જેમાં અમદાવાદ ૧,૩૪૦, રાજકોટમાં ૧૧૬૧, કચ્છમાં ૫૯૮, જામનગરમાં ૫૪૩, સુરતમાં ૩૦૮ અને વડોદરામાં ૩૯૧ બંદૂકનું વેચાણ થયું છે. અમદાવાદના સાબરમતી આરટીઓમાં સીએમ ગન હાઉસનો હવાલો સંભાળતા મહેશ સોનીના જણાવ્યાં અનુસાર, બંદૂક ખરીદનારાઓની યાદીમાં ઉદ્યોગપતિઓ અને વકીલો સૌથી ઉપર છે. ૦.૩૨ રિવોલ્વર અમદાવાદમાં સૌથી વધુ વેચાય છે.

ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૯૩૮૭ જેટલી ગનનું વેચાણ થયું હતું. જેમાથી ૨૫ ટકા ગનનું વેચાણ માત્ર જુલાઇ ૨૦૧૬થી જૂન ૨૦૧૭ સુધીમાં થયું હતું. તે જ વર્ષે સરકાર દ્વારા વેપન ટેકસમાં ૧૨૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જેનાથી સરકારને ૨૦૧૪ થી ૨૦૧૫ની સરખામણીમાં ૨૦૧૬ થી ૨૦૧૭માં રૂ. ૫૨,૯૬,૬૧૮ની આવક થઇ હતી. જોકે ૨૦૧૮ થી ૨૦૧૯માં માત્ર ૧,૨૬૨ ગનનું જ વેચાણ થયું હતું.

ગુજરાતમાં વેચાયેલી બંદૂકોમાં ૩૪ ટકા રિવોલ્વર અને ૬.૫ ટકા પિસ્તોલ છે. જોકે, ૧૨ બોર ગન વેચાણનું ૫૭ ટકા જેટલું છે. આ ૧૨ બોર ગન સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારોમાં વેચાય છે જયાં લોકો પાકની સુરક્ષા માટે લાઇસન્સ મેળવે છે. ગત વર્ષે ગુજરાત સરકાર દ્વારા ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં ૧૭૦૦ ગન લાઇસન્સ ઇસ્યુ કર્યા હતા જેમાથી ૧૫ ટકાથી વધુ અમદાવાદ જિલ્લાને સેલ્ફ પ્રોટેકશન અને પાક સંરક્ષણ માટે આપવામાં આવ્યા હતા. સેલ્ફ પ્રોટેકશન માટે અમદાવાદ શહેરમાં સૌથી વધુ લાઇસન્સ આપવામાં આવ્યા હતા.

(4:16 pm IST)