Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

અમદાવાદ એરપોર્ટ પર 30 જાન્યુઆરી સુધી વિઝિટર પાસ બંધ

મુલાકાતીઓ નિર્ધારિત ફી ચૂકવીને પણ ટર્મિનલ બિલ્ડીંગમાં પ્રવેશી શકશે નહી.

અમદાવાદ : ગણતંત્ર દિવસ નજીક આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ સુરક્ષાના નિયમો કડક બનાવવામાં આવ્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સુરક્ષા કારણોથી 30 જાન્યુઆરી સુધી સલામતી બંદોબસ્ત વધારે જડબેસલાક બનાવી દેવામાં આવ્યો છે. પેસેન્જરો માટે વિઝિટર એન્ટ્રી પાસ સુવિધા બંધ કરાઈ છે. પેસેન્જરોને લેવા કે મુકવા આવતા સગા સંબંધીઓ હવે ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશી શકશે નહી.

 અત્રે ઉલ્લેખનિય છે કે, 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે અમદાવાદ સહિત તમામ એરપોર્ટ પર સુરક્ષાને પગલે વિઝિટર પાસની સુવિધા બંધ કરી દેવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર દરરોજ એક હજારથી વધુ વિઝિટર્સ પાસનું વિતરણ થાય છે. સામાન્ય રીતે મુલાકાતીઓ વિઝિટર્સ પાસની નિર્ધારીત ફી ચૂકવીને ટર્મિનલની અંદર સુધી જઇ શકે છે. પરંતુ 26 જાન્યુઆરી નજીક આવતી હોવાથી મુલાકાતીઓ નિર્ધારિત ફી ચૂકવીને પણ ટર્મિનલ બિલ્ડીંગમાં પ્રવેશી શકશે નહી.

  મુલાકાતી એરપોર્ટમાં તો આવી શકશે પરંતુ ટર્મિનલ બિલ્ડિંગની અંદર જઇ શકશે નહીં. મુસાફરોને લેવા-મૂકવા આવતા સગાસબંધીઓ માટે એરપોર્ટ ઓથોરિટીએ આ વ્યવસ્થા રાખી છે. પરંતુ 26 જાન્યુ.ના દિવસે એરપોર્ટ હાઇએલર્ટ પર હોવાથી ઓથોરિટી અગમચેતીના ભાગરૂપે 20મીથી વિઝિટર એન્ટ્રી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

(12:59 pm IST)