Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જારી : વલસાડમાં ૩ ઈંચથી વધુ

વલસાડમાં ભારે વરસાદથી સર્વત્ર પાણી પાણી : જનજીવન ઠપ : વરલસાડ ઉપરાંત પારડી, ઉમરગાંવ, ધરમપુર, કપરાડા અને વાપીમાં પણ નોંધપાત્ર વરસાદ : છેલ્લા ચોવીસ કલાકમાં ૯૨ તાલુકાઓમાં વરસાદ થયો

અમદાવાદ, તા.૨૧ : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અવિરત ભારે વરસાદ બાદ વરસાદની ગતિ ધીમી પડતા આંશિક રાહત થઈ છે. જોકે વલસાડમાં આજે ફરી ભારે વરસાદ થયો હતો. બપોર બાદ ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેના પરિણામ સ્વરૂપે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. ગરનાળામાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. જેથી અવર જવર બંધ કરી દેવામાં આવી હતી. વલસાડ ઉપરાંત ધરમપુર, કપરાડા, માંગરોળ, પારડી સહિતના વિસ્તારોમાં દિવસ દરમ્યાન ભારે વરસાદ થયો હતો. વલસાડમાં અવિરત વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. છીપવાડા રેલવે ગરનાળામાં વાહનો ફસાઈ ગયા હતા. જેથી લોકોને મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા હતા. આજે વલસાડમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે ધરમપુરમાં બે ઈંચથી વધુ, કપરાડામાં બે ઈંચથી વધુ વરસાદ થયો હતો. ગુજરાત રાજયમાં આજે ગાંધીનગર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં મેઘરાજાએ તેની મહેર વરસાવી હતી. રાજયના ૯૨ તાલુકાઓમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૧૩ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે ઉમરપાડા પંથક અને તેની આસપાસના વિસ્તારો સર્વત્ર જળબંબાકાર બની ગયા હતા. જયારે નર્દા જિલ્લાના સાગબારામાં સાત ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તો, માંગરોળ, હાંસોટ-નેત્રંગ, અંકલેશ્વર, આણઁદ અને હિંમતનગર સહિતના પંથકોમાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.જયારે ધનસુરા અને દાહોદ પંથકમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લા અને શહેરમાં પણ આજે સોરો એવો વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને વલસાડ શહેરી વિસ્તારમાં માત્ર બે કલાકમાં જ અઢીથી ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. આ સાથે રાજયમાં ચોમાસાની સીઝનનો કુલ વરસાદ ૫૧.૩૫ ટકા વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં ૬૭.૫૩ ટકા વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, ધનસુરા, હિમંતનગર, બાયડ, મોડાસા, પાલનપુર સહિતના પંથકોમાં પણ આજે પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. અરવલ્લી પંથકમાં તો ભારે વરસાદના કારણે માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. સૌરાષ્ટ્ર પંથકના રાજકોટ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ આજે મેઘમહેર વરસી હતી. બીજીબાજુ, રાજયના વાલીયા, ડેડિયાપાડા, તલોદ, કપરાડા, વઘઇ, માંડવી, જાંબુઘોડા, ભરૂચ, ધરમપુર સહિતના ૧૦ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જયારે ખેરગામ, સતલાસણા, વાગરા, અમદાવદ, મહુધા, ઘોઘા, લીમખેડા-નિઝર, મોડાસા, પારડી, અમરીગઢ, ડેસર, બાલાસિનોર, દસ્ક્રોઇ-વાંસદા, માલપુર, સુરત અને ધોલેરામાં મળી કુલ ૧૭ તાલુકાઓમાં બે ઇઁચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજયમાં સીઝનના અત્યારસુધીમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત ક્ષેત્રમાં ૬૭.૫૩ ટકા જેટલો નોંધાયો હતો. આ જ પ્રકારે કચ્છમાં ૧૧.૦૮ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૭.૪૮ ટકા, પૂર્વ મધ્યમાં ૩૮.૦૩ ટકા અને સૌરાષ્ટ્રમાં ૫૮.૫૫ ટકા જેટલો વરસાદ નોંધાયો હતો. અરવલ્લીમાં પંથકમાં ભારે વરસાદના કારણે ધામણી નદીમાં પૂરની સ્થિતિ બની હતી.  અરવલ્લીના તમામ જળાશયોમાં નવા નીરની આવક થતાં પાણીની સમસ્યા હલ થઇ છે. તો, સાબરકાંઠાની હાથમતી નદીમાં નવા નીરની આવક થતાં નદી બે કાંઠે વહેતી નજરે પડતી હતી. આ જ પ્રકારે ડાંગના આહવા, વઘઇ, સુબીર સહિતના પંથકોમાં ત્રણથી ચાર ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. જયારે પર્યટન સ્થળ સાપુતારામાં પણ મેઘરાજાએ આહ્લલાદક મહેર વરસાવી હતી. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં મેઘરાજાએ તબાહી અને તારાજી સર્જયા બાદ કંઇક અંશે જોર ધીમું પાડતાં ત્યાંના લોકોએ ભારે રાહતનો દમ લીધો છે.

વરસાદ યથાવત જારી...

        અમદાવાદ, તા. ૨૧ : દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ જારી રહ્યો છે. આજે ક્યાં કેટલો વરસાદ થયો તે નીચે મુજબ છે.

સ્થળ........................................... વરસાદ (ઇંચમાં)

વલસાડ........................................... ૩ ઇંચથી વધુ

ધરમપુર.......................................... ૨ ઇંચથી વધુ

કપરાડા........................................... ૨ ઇંચથી વધુ

માંગરોળ.......................................... ૧ ઇંચથી વધુ

૨૪ કલાકમાં વરસાદ

        અમદાવાદ, તા. ૨૧: દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસાદ થયો તે નીચે મુજબ છે.

સ્થળ........................................... વરસાદ (ઇંચમાં)

ઉમરપાડા................................................ ૧૩ ઈંચ

સાગબારા................................................... ૭ ઈંચ

માંગરોળ.......................................... ૫ ઈંચથી વધુ

હાસોટ.............................................. ૫ ઇંચથી વધુ

અંકલેશ્વર......................................... ૫ ઇંચથી વધુ

આણંદ............................................. ૫ ઇંચથી વધુ

હિંમતનગર...................................... ૫ ઇંચથી વધુ

ધનસુરા........................................... ૪ ઇંચથી વધુ

દાહોદ........................................................ ૪ ઈંચ

વાલિયા............................................ ૩ ઇંચથી વધુ

દેડિયાપાડા...................................... ૩ ઇંચથી વધુ

તલોદ.............................................. ૩ ઇંચથી વધુ

કુકરમુંડા-કપરાડા............................. ૩ ઇંચથી વધુ

જાંબુઘોડા......................................... ૩ ઇંચથી વધુ

(8:22 pm IST)