Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોનાના આતંક વચ્ચે ચૈત્રી નવરાત્રિની શરૂઆત કરાઈ

શ્રદ્ધાળુઓએ ઘરમાં રહીને પૂજા આરાધના કરી : અનુકુળ સ્થિતિમાં નવરાત્રિ ઉપવાસ કરી શકાય : રિપોર્ટ

અમદાવાદ, તા. ૨૫ :  ચૈત્રી નવરાત્રીના ઉપવાસની શરૂઆત થઇ ચુકી છે. શ્રદ્ધાળુઓ કોરોના વાયરસનો ખતરો ટળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે આ વખતે ચૈત્રી નવરાત્રિના ઉત્સવની શરૂઆત થઇ છે. માતાના મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે પરંતુ આ વખતે લોકડાઉનના કારણે મંદિરો અને ધાર્મિક સ્થળો બંધ છે. ચૈત્રી નવરાત્રિના પ્રસંગે  અમદાવાદની બી.જે મેડીકલ કોલેજના પ્રોફેસર ઓફ મેડિસિન અને સિવિલ હોસ્પિટલના મેડિસિનલ વિભાગના વડા ડો. કમલેશ ઉપાધ્યાય એ કોરોના વિશે વિગતવાર સમજણ આપતાં જણાવ્યું હતું કે, ૧૯૬૦માં પહેલીવાર કોરોના વાયરસે દેખા દીધી હતી. ૪૦ વર્ષ પછી આ વાયરસે આંખ લાલ કરી છે. ૨૦૦૩માં આ વાયરસે સાર્સ નામે દેખા દીધી હતી. જે ચામાચીડિયામાંથી આવ્યો હતો. સામાન્ય રીતે તાવ, ઝાડા ઉલટી, એટલે કે ફ્લૂના લક્ષણો ધરાવતો આ રોગ ૨૦૧૯ ના ડિસેમ્બર મહિનામાં દેખાયો ૨૦૨૦ ની સાતમી જાન્યુઆરીએ આ રોગ કોરોના એટલે કે કૉવીડ૯ વાયરસ તરીકે જાહેર થયો. ૧૦૦ વ્યક્તિઓને ગળું પકડાવવાની શરૂઆત થાય છે, તેમાંથી ૮૫ થી ૯૦ વ્યક્તિઓ સારા થઈ જાય છે.

            ૧૦૦ માંથી ૧૦ વ્યક્તિઓને આ વાયરસ ગળાથી નીચે ઉતરે છે. આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થયો છે ઘણા લોકો આ નવરાત્રિ દરમિયાન અનુષ્ઠાન અને ઉપવાસ કરતા હોય છે. કોરોનાની આ સ્થિતિમાં અને લૉકડાઉન દરમિયાન ચૈત્રી નવરાત્રીના ઉપવાસ કેટલા યોગ્ય છે ? એવો પ્રશ્ન ઉપસ્થિત થતાં ડો.ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે, ઉપવાસ એ મનની શક્તિ વધારે છે. જે વ્યક્તિ અનુકૂળ પરિસ્થિતિમાં હોય તે ઉપવાસ કરે તો વાંધો નથી પરંતુ જે ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવારમાં છે, જે કર્મચારીઓ કોરોના દર્દીઓની સાથે છે અને વિશેષ પ્રકારના પહેરવેશ સાથે ફરજ બજાવે છે તેઓ ઉપવાસ ન કરે તે સલાહભર્યું છે.

(9:42 pm IST)