Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોના વાયરસ સામે લડવા ભાજપના ધારાસભ્યો એક-એક લાખ મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવશે : જીતુ વાઘાણીની જાહેરાત

મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત નિધિમાં આપશે

અમદાવાદ : પ્રધાનમંત્રી મોદીની 21 દિવસના દેશ વ્યાપી લોકડાઉનની જાહેરાત બાદ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ કેટલાક નિર્ણયો કર્યા હતા.સાથે જ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત નિધિમાં આપશે તેવી જાહેરાત પણ કરી હતી. રૂપાણી સરકારની જાહેરાત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ ધારાસભ્યોને 1-1 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવવા જાહેરાત કરી હતી

 ભાજપ પ્રમુખે દાવો કર્યો કે, સરકાર કોરોના સામે લડવા માટે અનેક પગલાં ભરી રહી છે. તેવા સંજોગોમાં ભાજપના ધારાસભ્યો, સાંસદો અને પદાધિકારીઓ પણ તંત્ર સાથે સંકલન જાળવી લોકોને મદદ કરે તે જરૂરી છે. 21 દિવસના લોકડાઉન પિરિયડ દરમિયાન નાગરિકો ગભરાય નહિ અને તેમને જીવન જરૂરી તમામ વસ્તુઓ મળી રહે તે માટે ભાજપ તંત્ર સાથે સંકલન કરશે.

 લોકડાઉન પિરીયડ દરમિયાન વધુ લોકોએ ભેગા ન થવાનું હોવાથી ટેલિફોનિક સંપર્ક દ્વારા ભાજપના પદાધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો તંત્ર સાથે સંકલન કરે તેવો નિર્દેશ પણ ભાજપ પ્રદેશ પ્રમુખે કર્યો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખનો દાવો છે કે કોઈપણ કપરા કાળમાં પ્રજાની સાથે હંમેશા રહ્યા છીએ. ત્યારે કોરોના સામેની લડાઈમાં પણ ભાજપના કાર્યકરો લોકોની સાથે રહેશે. લોકડાઉન દરમિયાન લોકોએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહેશે. જેના માટેની સંપૂર્ણ તૈયારી તંત્રે કરી છે અને આ સમયે ભાજપના કાર્યકરો પદાધિકારીઓ સ્થાનિક સ્તરે સંકલન જાળવવામાં આગળ આવે તેવી ટકોર પણ કરી હતી.

 નાગરિકોમાં ભય ન ફેલાય તેમજ નાગરિકો અફવાથી દૂર રહે તે માટે પણ ભાજપના કાર્યકરો કામ કરશે. સામાન્ય રીતે પક્ષના કાર્યક્રમમાં કાર્યકરોને જવાબદારીઓ સોંપવામાં આવે છે. પણ કોરોના સામેના જંગમાં પણ ભાજપના કાર્યકરો ઘરે રહીને લોકોને મદદ કરશે. તેના માટેનું આયોજન પણ ભાજપે કર્યું છે. લોકો ગભરાયા વગર ઘરમાં જ રહીને કોરોના સામેના લોકડાઉનને સ્વયં શિસ્તથી સફળ બનાવે તે જરૂરી છે ત્યારે ભાજપ પ્રમુખે પણ આ માટે પહેલ કરી છે.

(8:35 pm IST)