Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

હાઇકોર્ટની હાઇપાવર કમિટીની તાકીદની બેઠક મળી

કોરોના વાયરસથી દેશભરના કેદીઓને ઉગારવા માટે કોને મુકત કરી શકાય ? સુપ્રિમ કોર્ટના આદેશથી ગુજરાતમાં ભારે ધમધમાટ : નોડલ ઓફિસર તરીકે ગુજરાતના જેલવડા ડો. કે.એલ.એન.રાવની નિમણુંક : જસ્ટીસ શ્રી છાયા અધ્યક્ષ :એસીએસ (હોમ) સંગીતા સિંઘઃ તુર્તમાં જ અહેવાલ રજૂ

રાજકોટ તા.૨૫:  દેશ અને વિશ્વ સહિત  ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકારનો હાઉં હવે  દેશભરની જેલો સુધી પહોચ્યો છે. કેદીઓની સલામતી  તથા તેના સ્વાસ્થ્યની બાબત ધ્યાને લઇ  હળવા ગુનાના અને અન્ડર ટ્રાયલ કેદીઓને વચગાળાના જામીન આપવા સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ હાઇકોર્ટની હાઇલેવલની કમિટીની બેઠક મળી હતી. ઉકત બેઠકમાં  ગુજરાતના  નોડલ ઓફિસર તરીકે  જેઓની  નિમણુંક થઇ છે તેવા હાઇ કમિટીના સભ્ય  એવા ગુજરાતના જેલવડા  પણ ઉપસ્થિત રહી ચોક્કસ માર્ગદર્શીકા તૂર્તમાં ઘડી કાઢવા માટે  થયેલા  નિર્ણય સંદર્ભે ભારે ધમધમાટ શરૂ થયો છે.

સુપ્રિમ કોર્ટના  ચાલુ વર્ષના  માર્ચ માસના ૨૩ તારીખ કે  થયેલા હુકમ સંદર્ભે મળેલી આ બેઠકમાં  કયા પ્રકારના  કેદીઓને કેટલો સમય માટે પેરોલ અથવા વચગાળાના જામીન આપી શકાય તેનો અભ્યાસ કરી તે માટેના નિર્ણય લેવા માટે ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાત રાજ્યો કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી આર.એમ.છાયા અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં  આ કમિટીના સભ્ય તરીકે પસંદ પામેલા રાજ્યના એશ્નિલ ચિફ સેક્રેટરી (હોમ) સંગીતા સિંઘ,  અધિક મુખ્ય સચિવ અને જેલોના મહાનિર્દેશક અને  ઈન્સપેકટર જનરલ ડો. કે.એલ.એન.રાવ દ્વારા નિર્ણય લેવામાં આવશે.આવી પ્રાથમિક માર્ગદર્શિકા તૈયાર કરવાની જવાબદારી રાજ્યના એડીશ્નલ ડીજીપી કક્ષાના સિનીયર આઇએએસ ડો. કે.એલ.એન.રાવને સુપ્રત થયાનુ જાણવા મળેલ છે.

દરમિયાન કોરોના વાયરસના વધતા જતા  ચેપની  સંખ્યા જેને લઇ દિલ્હીની  તિહાર જેલમાં પણ સાત વર્ષથી ઓછી સજા વાળા ૩૦૦૦ જેટલા  કેદીઓને  છોડવાની દિશામાં મિટીંગોનો ધમધમાટ ચાલી રહ્યો છે.

અત્રે યાદ રહે કે સુપ્રિમ કોર્ટમાં કોરોના વાયરસ સંદર્ભે દેશની  જેલોમાં રહેલા કેદીઓની સલામતી માટે દાખલ થયેલ સુઓમોટો સંદર્ભે સુપ્રિમ કોર્ટ દ્વારા દેશભરની હાઇકોર્ટોને  આ બાબતે હાઇપાવર કમિટીની રચના કરી કેવા કેદીઓને પેરોલ પર મુકત કરવા તે માટે અભિપ્રાય  આપવા માટે  આદેશ કરવામાં આવ્યા છે.

(12:03 pm IST)