Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ચિલોડા-તપોવન એસપી રિંગ રોડ ઉપર અકસ્માત : ૧નું મોત

અકસ્માતમાં ઘાયલ ત્રણની હાલત ગંભીર : બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર : ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા : ડ્રાઈવરની અટકાયત

અમદાવાદ, તા.૧૯ : ચિલોડા-તપોવન એસ.પી રિંગ રોડ પર ટ્રેલરે ત્રણ ગાડીઓને અડફેટે લેતા એક બાઈક ચાલકનું કરૂણ મોત નીપજ્યું હતુ, જ્યારે ત્રણ લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. તો, અકસ્માતને લઇ સમગ્ર માર્ગ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી. બનાવની જાણ થતાં પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી જરૂરી તપાસ હાથ ધરી હતી. જેમાં કસૂરવાર ટ્રેલરચાલક ડ્રાઇવરની અટક કરી લેવામાં આવી હતી. આ અંગેની વિગત એવી છે કે, શહેરના ચિલોડા-તવોવન સર્કલ પાસે એસ.પી. રિંગ રોડ પર આજે વિચિત્ર અક્સ્માત સર્જાયો હતો. જેમાં એક મોટા ટ્રેલરચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી એક પછી એકે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક બાઇકચાલક ગંભીર રીતે કચડાતાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયુ હતુ.

                 જયારે આ અકસ્માતમાં અન્ય ત્રણ જણાંને ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવને પગલે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. થોડીવારમાં તો લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકએત્ર થઇ ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસે પણ ત્યાં તાત્કાલિક દોડી આવી હતી અને ટ્રેલરચાલકની અટકાયત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, અક્સ્માતમાં યુવકના મોતને લઇ સ્થાનિક લોકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

(9:08 pm IST)