Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

કમલેશ મર્ડર : એનઆઇએ મારફતે તપાસ માટે અપીલ

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા જોરદાર માંગ કરાઇ : કમલેશ તિવારી હત્યાકાંડમાં હાલ યુપી એસટીએફ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે : ભાજપના નેતા મેદાનમાં

લખનૌ,તા. ૧૯ :  ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા કરવામાં આવ્યા બાદ આને લઇને હવે રાજકીય ગરમી પણ વધી રહી છે. એકબાજુ પોલીસ ધરપકડના દોરને તીવ્ર બનાવી ચુકી છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કમલેશ તિવારી હત્યાકાંડના મામલામાં હવે રાષ્ટ્રીય તપાસ સંસ્થા મારફતે તપાસ કરાવવા માટેની માંગ કરી છે. રાજ્યસભાના સાંસદ સ્વામીએ ટ્વીટ કરીને કહ્યુ છે કે કમલેશ તિવારી હત્યાકાંડમાં જે પુરાવા નિકળીને સપાટી પર આવી રહ્યા છે તે જોતા આ મામલામાં એનઆઇએ દ્વારા તપાસ કરવામાં આવે તે જરૃરી છે. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી બાદથી કેટલાક કટ્ટરપંથી લોકો દેશના જુદા જુદા ભાગોમાં સાપ્રદાયિક હિંસા ભડકાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. કમલેશ તિવારી હત્યાકાંડના મામલામાં હાલમાં યુપી પ્રદેશ એસટીએફ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ હત્યાકાંડના સંબંધમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. હત્યાકાંડના સંબંધમાં કેટલાક આક્ષેપો થઇ રહ્યા છે. યુપી પોલીસે સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે મૌલાના હકની આ સંબંધમાં હજુ ધરપકડ કરવામાં આવી નથી. ગુજરાતમાં પણ ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે.

             કમલેશની પત્નિ કિરણ દ્વારા યુપી પોલીસ સમક્ષ મૌલાનાની સામે કેસ દાખલ કરાવી ચુકી છે. આ હત્યાકાંડમાં ગુજરાત કનેક્શનની બાબત સપાટી પર આવ્યા બાદથી તપાસ ચાલી રહી હતી. ખાસ કરીને સુરતમાં જોરદાર તપાસ કરવામા ંઆવી રહી છે. ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવ્યા બાદ કેટલાક અન્ય શખ્સોની ધરપકડ કરવામાં આવી શકે છે. હત્યાકાંડનો મામલે ખુબ સંવેદનશીલ બની રહ્યો છે. તેમાં રાજકીય પક્ષો પણ હવે મેદાનમાં ઉતરી ગયા છે.

(8:23 pm IST)