Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

વડોદરાના છાણી વિસ્તારમાં એલ એન્ડ ટી કંપની પરિસરમાં બિલ્ડીંગ ધરાશયી : એક મોત:કેટલાક દટાયાની આશંકા

ફાયર બ્રિગેડ દ્વારા રાહત-બચાવ કામગીરી શરૂ :ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે : સયાજી હોસ્પિટલને પણ એલર્ટ જારી દેવાયું

વડોદરાના છાણી વિસ્તારમાં એલ એન્ડ ટી કંપની (ચિલોડા) પરીસરમાં એક બિલ્ડીંગ ધરાશયી થતા એકનું મોત નીપજ્યું છે જયારે કેટલાક લોકો કાટમાળમાં દટાયાની આશંકા સેવાઈ રહી છે આજે બપોર બાદ અચાનક બિલ્ડીંગ ધરાશાયી થતા ફાયર બ્રિગેડ લાશ્કરોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના રહીશોના ટોળેટોળા સ્થળ પર દોડી ગયા હતા. 

   અગ્નીશમન દળના સૂત્રોના જણાવ્યા અનુસાર છાણી વિસ્તારમાં એલ એન્ડ ટી (ચિઓડા)નું બિલ્ડીંગ આવેલુ છે. નજીકમાં જ એલ એન્ડ ટી હેલ્થ એન્ડ ડાયલીસીસ સેન્ટર આવેલુ છે. જે છેલ્લા કેટલાક સમયથી કંપનીના મેડીકલને લગતા કામ માટે ઉપયોગમાં લેવામાં આવતુ હતુ. આ બિલ્ડીંગનું સ્ટ્રક્ચર જૂનું પણ થઇ ગયુ હોવાથી તેની મરામતની વિચારણા ચાલી હતી. આ બિલ્ડીંગને ઉતારવાની કાર્યવાહી ચાલતી હતી તે વેળાએ  જ આજે બપોરે અચાનક જ બિલ્ડીંગ ધરાશયી થયુ હોવાની વડોદરા અગ્નીશમન દળને જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો વાહનો સાથે સ્થળ પર ધસી ગયા હતા. લાશ્કરોએ કાટમાળ નીચે લોકો દબાયેલાઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. તેમની સાથે વીએમસીના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર ધસી ગયા હતા. 

   બપોરે ચાર વાગ્યાની આસપાસ દટાયેલા પહેલા વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો. જેનુ મોત નીપજ્યુ હોવાનું પ્રાથમિક તબક્કે સૂત્રોએ જણાવ્યુ હતુ. તેનું નામ કૈફુલ ભુરાખાન પઠાણ (ઉ.૪૭) નવાયાર્ડ વિસ્તારનો રહેવાસી હોવાનું બહાર આવ્યુ છે.  વધુ દટાયેલાઓને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ વડોદરાના સયાજી હોસ્પિટલને પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યા છે. સ્થળ પર લોકોના મોટી સંખ્યામાં ટોળા ઉમટી આવતાં પોલીસ કાફલો પણ સ્થળ પર પહોચી ગયો છે. હાલના તબક્કે તો લોકો પણ કામે લાગી ગયા છે. 

(7:41 pm IST)