Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

વડોદરામાં પૂર્વ-દક્ષિણ વિસ્‍તારમાં દુષિત પાણીનું વિતરણઃ રાજ્ય સરકાર સુધી રજૂઆત છતાં પ્રશ્ન હલ થતો નથી

વડોદરા: શહેરમાં છેલ્લા 6 માસથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકોને પીવાનું દૂષિત પાણી મળી રહ્યું છે તો કેટલાક વિસ્તારોમાં પાણી જ નથી આવી રહ્યું જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રાજયકક્ષાના મંત્રી યોગેશ પટેલે મુખ્યમંત્રીને પાણીની સમસ્યા અંગે ફરિયાદ કરતા રાજય સરકારે તાબડતોડ ગાંધીનગરથી પાંચ અધિકારીઓની ટીમને વડોદરા મોકલી પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આદેશ કર્યા છે.

જેના પગલે ગાંધીનગરથી આવેલા પાંચ અધિકારીઓ, પાણી પુરવઠા વિભાગના નિવૃત્ત અધિકારીઓ, પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, મંત્રી યોગેશ પટેલ, સાંસદ અને પાલિકાના કમિશનર સહિતના તમામ લોકોએ આજવા નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું. મહત્વની વાત છે કે યોગેશ પટેલે તમામ અધિકારીઓનો ઉધડો લઈ દિવાળી પહેલા વડોદરામાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તેવા આદેશ કર્યા છે.

નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા છતાં પણ લોકોને ચોખ્ખુ પાણી નથી મળી રહ્યું. પાલિકાએ પૂજા કંન્સ્ટ્રકશન કોન્ટ્રાકટરને નિમેટા ટ્રીટમેન્ટ પ્લાન્ટની જાળવણી માટે ઈજારો આપ્યો હતો તેમાં કોન્ટ્રાકટરે કંઈ જ કામ ન કરી પાલિકા પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા. જેથી પૂજા કંન્સ્ટ્રકશનને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે ગાંધીનગરથી આવેલા અધિકારીઓને જયાં સુધી વડોદરામાં પાણીની સમસ્યા દુર નહી થાય ત્યાં સુધી રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પાલિકાના પાણી પુરવઠાના અધિકારીઓ લાખો રૂપિયાનો પગાર લેવા છતાં પણ પાણીની સમસ્યા દુર ન કરી શકતા આખરે સરકારે ગાંઘીનગરથી અધિકારીઓ દોડાવવાની ફરજ પડી છે. ત્યારે શુ ગાંધીનગરથી આવેલા અધિકારીઓ વડોદરામાં પાણી ની સમસ્યા દુર કરી લોકોને ચોખ્ખુ પાણી અપાવી શક્શે કે પછી આ અધિકારીઓ ની મુલાકાત માત્ર દેખાડા પુરતી રહેશે તે તો આગામી સમય જ જણાવશે.

(4:36 pm IST)