Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

દિવાળી બાદ કોંગ્રેસમાં મોટી હોળીના એંધાણ : અડધો ડઝન ધારાસભ્યોને ભાજપમાં સમાવવા તૈયારી : ગોઠવતો તખ્તો

મોડી રાત્રે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કેટલાક કોંગી ધારાસભ્યો મળ્યા : ભાજપના દિગ્ગજોને સોંપાઈ જવાબદારી : વિપક્ષ નેતા અને પ્રદેશ પ્રમુખ સામે અસંતોષનું નાળચું ગોઠવાયું

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની છ બેઠકો માટેની પેટાચૂંટણી પૂર્ણ થયા બાદ અને દિવાળીના તહેવારો દરમિયાન કોંગ્રેસમાં હોળી સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે અથવા તો ભાજપે આ માટેના પ્રયાસો હાથ ધર્યા હોવાના સંકેત મળે છે

  અહેવાલ મુજબ જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહેલને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મોડી રાત્ર મળ્યા હોવાની વાત બહાર આવી રહી છે. રાજેશ ગોહેલની સાથે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ મુખ્યમંત્રીને મળવા ગયા હોવાની વાતો વહેતી થઈ હતી, પરંતુ તેમણે આ વાતને રદિયો આપ્યો હતો.

   મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને મોડી રાત્રે આ મિટિંગ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ કુંવરજી બાવળીયાનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્રના કોન્ગ્રેસી નેતા લલિત વસોયા (ધોરાજી) લલિત કગથરા (ટંકારા), પાટણના કિરીટ પટેલ અને સાવરકુંડલાના પ્રતાપ દૂધાતના નામ પણ બોલાઈર હ્યા છે.

    ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના માધ્યમથી આ બધાં પાસા ફેકવામાં આવી રહ્યા છે. વિજયભાઈ  રૂપાણી ઉઝબેકિસ્તાનનો પ્રવાસ પૂરો કરીન ગુજરાત પાછા ફરે ત્યારબાદ આ મોરચે ગતિવિધિઓ વધવાની ધારણા છે. આમ દિવાળી પછી કોન્ગ્રેસમાં મોટો ભૂકંપ સર્જવાની ભાજપ તૈયારી કરી રહ્યુ હોવાનું જાણકારોનું કહેવું છે.

   પાટણના કિરીટ પટેલને મનાવી લેવાની જવાબદારી ઊંઝાના ડૉ. આશા પટેલને સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપ કોન્ગ્રેસનું અસ્તિત્વ જ મિટાવી દેવા મક્કમ હોવાથી કોન્ગ્રેસના ગુજરાત અને અમદાવાદના કેટલાક મોટા માથાઓએ પણ ગુજરાત વિધાનસભા પક્ષના નેતાના હોદ્દા માટે પોતાનો દાવો રજૂ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

   તેમને વિપક્ષના નેતાનો હોદ્દો ન આપવામાં આવે તો ભાજપ સાથે ભળી જઈને કેબિનેટ મંત્રીનો હોદ્દો મેળવી લેવાની ધમકી પણ પક્ષના મોભીઓને તેમણે આપી હોવાની ચર્ચા છે. પરેશ ધાનાણીને રિપ્લેસ કરીને પોતાને તેમનું સ્થાન આપવાની માગણી મૂકવામાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. કોન્ગ્રેસમાં તો વિપક્ષના નેતાની માફક પ્રદેશ પ્રમુખને બદલવાની પણ વાતો વહેતી થઈ છે. દિવાળી પછીના દિવસો કોગ્રેસ માટે ભારે ઊથલપાથલના રહેવાની સંભાવના છે.

(1:27 pm IST)