Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

સાવધાનઃ રાજયભરના એસીબીના ટોચના અધિકારીઓ કેસો શોધવા મેદાને

ભ્રષ્ટાચારના નવા કાયદાઓમાં કંપનીઓ માટે આકરી જોગવાઇઃ દેશમાં સૌ પ્રથમ વખત એસીબી દ્વારા બે કેસો દાખલ : નવી કલમ અંતર્ગત કંપનીઓ જાહેર સેવકોને અનુચીત લાભ (લાંચ) આપવાનો પ્રયત્ન પણ કરશે તો સીધા જેલ ભેગા થશેઃ એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં દિલ્હીના ટોચના સોલીસીટર, કાયદે આઝમો અને નાણાકીય સલાહકારોનો વર્કશોપ

રાજકોટ, તા., ૧૯: ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને ૧૯૮૮ અને સને ર૦૧૮ના કાયદામાં થયેલ ધરખમ સુધારા અંતર્ગત કંપનીઓ દ્વારા ધંધાનો વિકાસ કરવા માટે અનુચીત લાભ (લાંચ) આપવાની જોગવાઇ  જેલ ભેગી  કરે તેવી હોવાની સાવધાની હવે  કંપનીઓએ રાખવી ખુબ જ જરૂરી છે. આ નવા કાયદા અંતર્ગત દેશમાં પ્રથમ વખત એસીબી દ્વારા બે કેસો પણ નોંધવામાં આવ્યા હોવાનું તારણ ગુજરાતના લાંચ રૂશ્વત વિરોધી  બ્યુરોના વડા કેશવકુમાર અને નાયબ વડા  ધર્મેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સેમીનારમાંથી બહાર આવ્યું છે.

ઉકત બાબતે એસીબી વડા કેશવકુમારે જણાવેલ કે લોકસેવકને અનુચીત લાભ (લાંચ) આપવાની નવી જોગવાઇ કલમ ૯ અને ૧૦થી એસીબીના રાજયભરના અધિકારીઓ માહિતગાર થાય અને તપાસમાં કયાં કયાં  પુરાવાઓ મેળવવા જોઇએ તે બાબતે વૈજ્ઞાનીક ઢબે કઇ રીતે તપાસ કરવી અને કાયદાની બારીકાઇની સમજ મળે તે માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ.

ઉકત વર્કશોપમાં દિલ્હીના નિષ્ણાંત સોલીસીટર શ્રી રામ એસએલ વિશેષ ઉપસ્થિત રહી અમેરીકા અને ઇંગ્લેન્ડ અને ફ્રાંસના ભ્રષ્ટાચાર વિષયક કાયદાઓની સમજણ આપી ત્યાંના ઉદાહરણો આપી નવી કલમોથી માહિતગાર કરેલ કંપનીઓ દ્વારા હિસાબી ચોપડાઓનું ઇન્ટરનલ ઓડીટ ફરજીયાત હોવાનું અને એસીબી તપાસમાં આ ક્ષતી બહાર આવે તો અને ગુન્હો સાબીત થાય તો દંડ પણ ભરવો પડે તેવી માહિતી આપવામાં આવેલ. આમ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૯ અને ૧૦ હેઠળના કેસો શોધવા રાજયભરના એસીબી અધિકારીઓને સુસજ્જ કરી મેદાનમાં ઉતારવામાં આવનાર છે. સેમીનારમાં ગુજરાત એસીબીના મદદનીશ નિયામકો, પોલીસ ઇન્સ્પેકટરો, કાયદા તજજ્ઞો અને નાણાકીય સલાહકારો ઉપસ્થિત રહેલ.

(11:57 am IST)