Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ગુજરાતમાં ૨૭ વર્ષથી ભાજપ સરકારના શાસનમાં શિક્ષણની અધોગતિ થઇ :લાખો યુવાનોનું ફીક્ષ પગાર-કોન્ટ્રકટ પ્રથા-આઉટ સોર્સિંગનાનામે મોટા પાયે આર્થિક શોષણ

ચૂંટણી અનુલક્ષી ગુજરાત કોંગ્રેસ પક્ષના ડીઝીટલ કેમ્પેઈન, આઉટ ડોર કેમ્પેઈન, ઈલેક્શન કેમ્પેઈન, મેનીફેસ્ટો કેમ્પેઈન ‘બોલો સરકાર’ ને ખુલ્લુ મુકતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી અનુલક્ષી ગુજરાત કોંગ્રેસ પક્ષના ડીઝીટલ કેમ્પેઈન, આઉટ ડોર કેમ્પેઈન, ઈલેક્શન કેમ્પેઈન, મેનીફેસ્ટો કેમ્પેઈન ‘બોલો સરકાર’ ને પત્રકાર પરિષદમાં ખુલ્લુ મુકતા રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના સીનીયર નિરિક્ષક અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૭ વર્ષથી ભાજપ સરકારના શાસનમાં શિક્ષણની અધોગતિ થઇ છે. શિક્ષણમાં શ્રેત્રે પાછળ ધકેલાઈ રહ્યું છે. ભાજપ સરકાર ૬૦૦૦થી વધુ સરકારી શાળાઓને મર્જરના નામે તાળા મારી રહી છે જેના લીધે શિક્ષણ નો અધિકાર છીનવાશે, ગ્રામ્ય વિસ્તારની કન્યાઓ શિક્ષણથી વંચિત રહેશે.

   રાજસ્થાનની કોંગ્રેસ સરકાર દ્વારા મૂળભૂત અધિકાર શિક્ષણ માટે સુસજ્જ, ગુણવતા યુક્ત “મહાત્મા ગાંધી ઈંગ્લીશ મીડીયમ”ની ૧૨૦૦ શાળાઓ ખોલવામાં આવી. ૧૪થી વધુ પરીક્ષાઓમાં પેપર લીક / પેપર ફૂટવાની ઘટનાઓને કારણે ગુજરાતના લાખો શિક્ષિત યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ થયો બીજી બાજુ રાજસ્થાનમાં માત્ર એક પેપર લીકની ઘટનાને પગલે આયોગના ચેરમેન સહીત જવાબદાર અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા તદુપરાંત હાઈકોર્ટના નિવૃત જજના અધ્યક્ષ સ્થાને ત્રણ સભ્યોની ટીમનું ગઠન કરીને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સમય મર્યાદામાં અહેવાલ મંગાવવામાં આવ્યો. ગુજરાતના લાખો યુવાનોનું ફીક્ષ પગાર-કોન્ટ્રકટ પ્રથા-આઉટ સોર્સિંગના નામે મોટા પાયે આર્થિક શોષણ કરી છે. જૂની પેન્શન યોજના રદ્દ કરી નવી પેન્શન યોજના લાગુ કરવાથી ગુજરાતના સરકારી કર્મચારીઓમાં ભારોભાર આક્રોશ છે જ્યારે રાજસ્થાનમાં લાખો સરકારી કર્મચારી અને તેમના પરિવારના સામાજિક સુરક્ષા માટે “જૂની પેન્શન યોજના” લાગુ કરવામાં આવી અને નવી પેન્શન યોજના રદ્દ કરવાનો ઐતિહાસિક નિર્ણય થયો. તેવી રીતે ગુજરાતમાં પણ ૨૦૨૨માં “કોંગ્રેસ સરકાર” બનતા વિવિધ વિભાગોમાં કાર્યરત કર્મચારીઓ અને તેમના પરિવારોની સામાજિક સુરક્ષા માટે “નવી પેન્શન યોજના રદ્દ” કરી “જૂની પેન્શન યોજના” લાગુ કરવામાં આવશે.

  વર્ષ ૨૦૨૨માં કોંગ્રેસ સરકાર બનતા જ ગુજરાતમાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે તેને પુનઃ શરુ કરવામાં આવશે અને ગુણવતાયુક્ત શિક્ષણ માટે સ્થાનિક જરૂરિયાત મુજબ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરુ કરવામાં આવશે અને ગુજરાતમાં ૨૦૨૨માં કોંગ્રેસ સરકાર બનતાની સાથે જ સરકારી ભરતી પ્રક્રિયા પારદર્શક-સમયસર કરી ભૂતકાળમાં સરકારી ભરતી પ્રક્રિયામાં યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારા તત્વો સામે કાયદાકીય કડક પગલા ભરવામાં આવશે

   દેશના સાત રાજ્યોમાં લમ્પી વાયરસને કારણે લાખો ગાયમાતાઓ પારાવાર પરેશાનીનો ભોગ બની રહી છે મોટા પાયે મોત થઈ રહ્યાં છે ત્યારે કેન્દ્ર સરકાર લમ્પી વાયરસને “રાજ્યની આપદા” જાહેર કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. ચૂંટણી ટાણે પ્રધાનમંત્રી વિશે ગમે તેવી ભાષાનો ઉપયોગ કરીએ એ અમારા સંસ્કાર નથી. આજે દેશમાં બંધારણની અવગણના થઈ રહી છે ત્યારે સંવિધાન બચાવવા - દેશ બચાવવા કોંગ્રેસની જરૂર છે. રાજસ્થાનમાં તમામ પ્રકારની સુવિધાઓ, પ્રજાલક્ષી કાર્યક્રમો, અસરકારક રીતે ચાલી રહ્યાં છે. મફત આરોગ્ય સેવા, શિક્ષણ સહિતની યોજનાઓ પ્રજા માટે છે. તે કોઈ રેવડી કલ્ચર નથી. કોરોના કાળમાં ગુજરાતમાં ઓક્સીજન, બેડ સહિતની પ્રાથમિક સુવિધાઓ ના હતી, પ્રાઈવેટ હોસ્પીટલો હાવી થયા હતા. એમ્બ્યુલન્સની લાંબી લાઈનો હતી. ૨૭ વર્ષના શાસન છતાં પણ ક્યાંય ગવર્નન્સ ન હતું. આખી સરકાર બદલવાની કેમ ફરજ પડી ? શું તમામ મંત્રી મંડળ સરકાર નિષ્ફળ હતી.
  પૂજ્ય મહાત્મા ગાંધી બાપુના ગુજરાતમાં આજે દારુબંધી માત્ર કાગળ ઉપર છે. અવારનવાર મોટી માત્રામાં દારૂ પકડાય છે, દારૂની હોમ ડિલીવરી થાય છે,  જો દારૂ પાડોશના રાજ્યમાંથી આવતો હોય તો તેને અટકાવવા પ્રયાસ કરવો જોઈએ. અમારા ત્યાંથી આવતો હોય તો અમારી સાથે વાત કરો અમે પૂજ્ય ગાંધી બાપુના ગુજરાતમાં દારૂ નહી આવવા દઈએ. ગાંધી - સરદારના ગુજરાતમાં મોટા પાયે ડ્રગ્સનો જથ્થો ઠલવાઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે. આજે દેશમાં ઈ.ડી.નું રાજ ચાલે છે. કોઈ વેપારીઓ ઈ.ડી.ના ડરથી કાંઈ બોલી શકતા નથી. ઈ.ડી.નો ઉપયોગ વિપક્ષોની અવાજને દબાવવા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
  વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં જનતા શુ ઈચ્છે છે તેના માટે ‘બોલો સરકાર’ મેનીફેસ્ટો કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી. ગુજરાતની જનતાની સુખાકારી માટે, જનતા ઈચ્છે તેવા મુદ્દાઓને મેનીફેસ્ટોમાં સ્થાન અપાવવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ૮ મહાનગરો, ૩૩ જીલ્લા, ૨૫૮ તાલુકાઓમાં ૧૫૦૦ થી વધુ મીટીંગો કરી ૧૮૨ વિધાનસભા વિસ્તારોની વિવિધ સમસ્યાઓને આવરી લઈ ‘બોલો સરકાર’ અંતર્ગત સંકલ્પ પત્ર - મેનીફેસ્ટો તૈયાર કરવામાં આવશે.
પત્રકાર પરિષદમાં ઝાલોરની ઘટના અંગે પત્રકારો દ્વારા પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતા રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદિમાં અસ્પૃશ્યતા - છુઆછુતની ઘટના અત્યંત દુરભાગ્ય પૂર્ણ છે. આવી ઘટનાઓ કોઈપણ રાજ્યમાં બને એ દૂઃખદ બાબત છે. ગુજરાત - યુ.પી.માં પણ આવી ઘટનાઓ બની છે પરંતુ રાજસ્થાનમાં તાત્કાલીક ફરીયાદ નોંધવામાં આવી અને કડક પગલા ભરવામાં આવ્યાં છે. રાજસ્થાનમાં કાયદો - વ્યવસ્થાની સ્થિતી સારી છે. અસ્પૃશ્યતા – છુઆછુતની આર.એસ.એસ. અને ભાજપ વધારી રહ્યો છે.
  ગુજરાત કોંગ્રેસ મીશન – ૨૦૨૨ માટેનું ઈલેક્શન કેમ્પેઈન, ડીઝીટલ કેમ્પેઈન, આઉટ ડોર કેમ્પેઈનના લોન્ચીંગ પ્રસંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાતના પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, અમિત ચાવડા, રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રી અને મેનીફેસ્ટો કમિટિના ચેરમેન દિપક બાબરીઆ, સાંસદ સભ્ય ડૉ. અમીબેન યાજ્ઞિક, એ.આઈ.સી.સી.ના મીડીયા ઈન્ચાર્જ પવન ખેરાજી, એ.આઈ.સી.સી.ના મંત્રી અને સહપ્રભારી રામકિશન ઓઝા, વિરેન્દ્રસિંહ ઠાકોર, ઉષા નાયડુજી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, દંડક સી.જે. ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ હિંમતસિંહ પટેલ, લલીતભાઈ કગથરા, ઋત્વીક મકવાણા, અંબરીશ ડેર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રવક્તા નરેન્દ્ર રાવત, મનહર પટેલ,  દિપમ ભટ્ટ, હેમાંગ રાવલ, સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.તેમ ડૉ. મનિષ એમ. દોશીની યાદીમાં જણાવાયું છે

 

(7:09 pm IST)