Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

અમદાવાદમાં કોરોના સંક્રમણ અટકાવવા વેપારીઓએ જ પહેલ કરી : શહેરના અનેક માર્કેટો સ્વયંભૂ બંધ પાળી રહ્યા છે

અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર કહેર મચાવી રહી છે, ત્યારે અમદાવાદમાં કોરોના વાઈરસનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસનો આંકડો જૂના રેકોર્ડ તોડી રહ્યો છે, ત્યારે જીવલેણ વાઈરસની ચેઈન તોડવા માટે ખુદ વેપારીઓ આગળ આવ્યા છે. નુક્સાનની પરવાહ કર્યા વિના વેપારી મંડળોએ સ્વચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે.

શહેરના વેપારી મંડળો દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ મોટા ભાગના માર્કેટો શનિવાર-રવિવારના રોજ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં જમાલપુર, વાસણા વીકેન્ડ દરમિયાન બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. સિવાય માણેકચોક વિસ્તારના સોની બજારના વેપારીઓએ પણ બે દિવસ સુધી સ્વૈચ્છિક બંધનો નિર્ણય કર્યો છે. આજ રીતે રિલીફ રોડ પર કાલુપુર સુધી આવેલા ઈલેક્ટ્રોનિક્સ માર્કેટના વેપારીઓએ પણ બે દિવસનું બંધ પાળ્યું છે

સિવાય મણીનગર સિંધી માર્કેટના વેપારીઓ પણ બે દિવસના સ્વૈચ્છિક બંધમાં જોડાયા છે. શનિવારે મણીનગર રેલવે સ્ટેશનની આસપાસ આવેલા સિંધી સમાજના વેપારી એસોસિએશનના તમામ સભ્યોએ પોતાની દુકાનો બંધ રાખી હતી.

બીજી તરફ સાબરમતી વિસ્તારના તમામ બજારોમાં આવતીકાલ સોમવારથી બપોરે 3:30 કલાક સુધી તમામ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજ રીતે સામાન્ય દિવસોમાં ભરચક રહેતા લાલદરવાજાથી માંડીને પાનકોર નાકા સુધીના બજારમાં રવિવારે વેપારીઓ બંધ પાળશે. જેમાં પાથરણાં બજાર સહિત અન્ય વેપારીઓએ કોરોનાની ચેઈન તોડવા માટે સ્વૈચ્છિક બંધમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન અત્યાર સુધીના સૌથી વધુ 3,241 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 25 શહેરીજનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 93,846 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં 2530 નાગરિકોને ભરખી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં 647 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આમ અત્યાર સુધીમાં 73,670 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમણે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

(12:18 pm IST)