Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

રિસર્ચ અને ઈનોવેશન ઉપર ધ્યાન કેન્દ્રિ કરવા માટે સૂચન

આઈઆઈએમ-અમદાવાદમાં પ્રણવ મુખર્જીનું લેકચરઃ ગેસ્ટ ફેકલ્ટી તરીકે પોતાના છેલ્લા લેકચરમાં વિદ્યાર્થીઓને નોકરી મેળવવાના બદલે રિસર્ચ પર ધ્યાન આપવા સૂચન

અમદાવાદ, તા.૧૭: ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે અમદાવાદની પ્રતિષ્ઠિત આઈઆઈએમમાં પ્રવચન આપવા માટે પહોંચ્યા હતા. તેમના અંતિમ પ્રવચનમાં પ્રણવ મુખર્જીએ જુદા જુદા વિષય ઉપર વાત કરી હતી. પ્રણવ મુખર્જીએ સંશોધન માટે એનર્જી લગાવી દેવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. હવે શરૂ થઈ રહેલા ફાઈનલ પ્લેસમેન્ટ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓની અંદર રિસર્ચ અને ઈનોવેશન તેમજ નોકરી વચ્ચે અસમતુલાની વાત કરી હતી. પોતાના ગેસ્ટ ફેકલ્ટી તરીકેના પ્રવચનમાં પ્રણવ મુખર્જીએ વિદ્યાર્થીઓને તેમની ઉર્જા સંશોધનની કુશળતામાં લગાવવા અપીલ કરી હતી. બહુરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી નોકરી મેળવવાની સામે રિસર્ચમાં ધ્યાન કેન્દ્રિત કરવા પ્રણવ મુખર્જીએ અપીલ કરી હતી. આઈઆઈએમમાં ખાસ વિષય ઉપર કોર્સના ભાગરૂપે પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે વ્યાપક વિકાસ માટે ભારતને સંસ્થાકીય માળખાની જરૂર દેખાઈ રહી છે.

અગાઉના ચાર લેકચરની જેમ જે આજે પણ અંતિમ લેકચરમાં પ્રણવ મુખર્જી માટે તમામ લોકોને બોલાવવામાં આવ્યા હતા. આઈઆઈટી અને એનઆઈટી જેવી ફર્સ્ટ ક્લાસ સંસ્થાઓ અંગે વાત કરતા પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે જ્યારે આ કેમ્પસમાંથી ગ્રેજ્યુએટ થયેલા લોકો નોકરીની માંગ કરે છે ત્યારે વિશ્વાસનો અભાવ દેખાઈ આવે છે. કુશળ વિદ્યાર્થીઓએ રિસર્ચ અને ઈનોવેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ૩૬૦૦૦ ડિગ્રી કોલેજો કામ કરી રહી છે. આઈઆઈટી, એનઆઈટી અને અન્ય ઘણી બધી સંસ્થાઓમાં કુશળ વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે. ૨૦૧૫માં ૨૪૦૦૦ પોસ્ટ ડૉક્ટરરલ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જાપાન, યુકે અને અમેરિકા બાદ ભારતે ચોથુ સ્થાન મેળવ્યું હતું. તમામ ઉચ્ચ સંસ્થાઓમાંથી અમારા તમામ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ મલ્ટીનેશનલ કંપનીઓમાં મેનેજર સ્તરની નોકરી મેળવી રહ્યા છે. પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે આજે સંશોધન ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. અબ્દુલ કલામ બાદ પ્રણવ મુખર્જી બીજા પૂર્વ રાષ્ટ્રપતિ છે જે ગેસ્ટ ફેકલ્ટી તરીકે અગ્રણી સંસ્થામાં લેકચર આપે છે.

(9:23 pm IST)