Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

આણંદના સારસામાં તસ્કરોએ બંધ મકાનના તાળા તોડ્યા:1.42 લાખની મતાનીઉઠાંતરી

આણંદ: તાલુકાના સારસા ગામે આવેલી કેવલ સોસાયટીમાં ગત ૧૩મી તારીખના રોજ રાત્રીના સુમારે ત્રાટકેલા કેટલાક તસ્કરોએ એક વિધવાના બંધ મકાનના નકુચા તોડીને અંદરથી ૧.૪૨ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ તથા એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે. 

ચોરીની મળતી વિગતો અનુસાર ફરિયાદી કમળાબેન નટુભાઈ પટેલ સારસા ગામની કેવલ સોસાયટીના ૧૮ નંબરના મકાનમાં રહે છે. હાલમાં તેઓ એકલા જ હોય ગત ૯મી તારીખના રોજ આણંદના મંગળપુરા ખાતે રહેતી પોતાની પુત્રીને ત્યાં મકાનને તાળુ મારીને ગયા હતા. દરમ્યાન ગત ૧૩મી તારીખના રોજ કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને મુખ્ય દરવાજાનો નકુચો તોડીને અંદર ઘુસ્યા હતા. ત્યારબાદ અંદરના ખંડના દરવાજાનો પણ નકુચો તોડીને તિજોરી તેમજ કબાટો તોડી નાંખ્યા હતા અને અંદર મુકેલા સોનાના ચાર તોલા દાગીના કે જેમાં ૪ બુટ્ટીઓ, ૨ સોનાના દોરા, ચાંદીના ૫૦૦ ગ્રામ વજનના સિક્કા, રોકડા ૨૭ હજાર મળીને કુલ ૧.૪૨ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 

પડોશી દ્વારા કમળાબેનને તેમના ઘરમાં ચોરી થયાની જાણ થતાં જ તેઓ તુરંત જ સારસા પહોંચી ગયા હતા અને તપાસ કરતા ઉક્ત મત્તાની ચોરી થવા પામી હતી. જેથી તુરંત જ ખંભોળજ પોલીસને જાણ કરી હતી.

(6:16 pm IST)