Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

જના સ્મોલ ફાઇનાન્સ બેંકની શાખાનો આખરે પ્રારંભ થયો

ગુજરાતમાં જના બેંકની ૧૬ શાખાઓ છેઃ ઉદ્ઘાટન ઓફર મુજબ ફિક્સ્ડ ડિપોઝિટ પર ૮.૫ ટકા, વરિષ્ઠ નાગરિકો માટે ૯.૧ ટકા વ્યાજ દર જાહેર કરાયો

અમદાવાદ,તા.૧૫: સમાજના નાના, મજૂર અને જરૂરિયાતમંદ વર્ગ માટે ખાસ જના સ્મોલ ફાઈનાન્સ બેંકે આજે અમદાવાદ શહેરના મીઠાખળી વિસ્તારમાં તેની નવી અને શહેરની સૌપ્રથમ શાખા શરૂ કરી હતી. આ અમદાવાદ શાખાની પ્રસ્તુતિ સાથે જના બેંકે ગુજરાતમાં તેની શાખાઓનું નેટવર્ક ૧૬ શાખાઓ સુધી વિસ્તાર્યું છે. જેમાંથી ૯ અને બેંક રૂરલ શાખાઓ છે. આ બેંક હાલમાં અમદાવાદ (સાણંદ, જાસપુર, મીઠાખળી), વડોદરા (અલકાપુરી), રાજકોટ, સુરત (વાડોલી, નારથન, પુની, ઓરમા, ઉધના દરવાજા, બારડોલી અને અડાજણ), ગાંધીનગર (સોનારડા અને ઉધના), મહેસાણા (બોરીસણા) અને ભાવનગર ખાતે હાજરી ધરાવે છે. જના સ્મોલ ફાઈનાન્સ બેંકની શાખાઓની આ પ્રસ્તુતી, ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વિત્તિય સમાવેશનના એજંડાને અનુકૂળ છે. જેમાં જના સ્મોલ ફાઈનાન્સ બેંક પોતાના ૪પ લાખથી વધારે હાલના ઋણ ગ્રાહકોને ર૦૧૮ના અંત સુધીમાં બેંકીંગ વ્યવસ્થામાં લાવશે એમ અત્રે જના સ્મોલ ફાઇનાન્સ બેંકના પ્રેસિડેન્ટ અને ચીફ કોમ્પ્લાયન્સ ઑફિસર શ્રી રવિ દુવુરુએ જણાવ્યું હતું. આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રાદેશિક નિયામક અને આ કાર્યક્રમના મુખ્ય મહેમાન જે.કે.ડેશ દ્વારા મીઠાખળી જના બેંક શાખાનું ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે જના સ્મોલ ફાઇનાન્સ બેંકના પ્રેસિડેન્ટ અને ચીફ કોમ્પ્લાયન્સ ઑફિસર શ્રી રવિ દુવુરુ અને બેંકના ઝોનલ હેડ, ગુજરાત રાજેશકુમારે જણાવ્યું હતું કે, જના બેંકે તેમના સૂત્ર 'પૈસાની કદર' એટલે કે મૂલ્યનું મહત્વ - પર ખરા ઉતરતાં, પોતાના ગ્રહકોને મહેનત કરીને મેળવેલ ધન પર સારો લાભ આપવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું  છે. જેના ભાગરૂપે પ્રારંભિક તબક્કે જ ર વર્ષથી વધારે તથા ૩ વર્ષથી ઓછી સમય મર્યાદા માટે ફિક્સ ડીપોઝિટ પર ૮.પ ટકા વ્યાજની ઉદ્ઘાટન ઓફર આપવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો માટે આ જ સમય મર્યાદા માટે વ્યાજ દર ૯.૧ ટકા હશે. તે સિવાય, તેમના સમૂહ ઋણ ગ્રાહકોની સખ્ત મહેનતની કમાણીથી જમા થયેલ મૂડી પર વધુ મૂલ્ય આપવા માટે જના સ્મોલ ફાઈનાન્સ બેંક જીરો બેલેન્સ ખાતુ - એટલે કે બેઝિક સેવિંગ બેંક ડિપોઝીટ ખાતુ ખોલવાની તજવીજ કરે છે. આ સુવિધાઓ સિવાય ગ્રાહકોને સમય મર્યાદા પહેલાં ખાતુ બંધ કરવાના દંડથી પણ મુક્તિ આપવામાં આવશે. જના સ્મોલ ફાઇનાન્સ બેંકના પ્રેસિડેન્ટ અને ચીફ કોમ્પ્લાયન્સ ઑફિસર શ્રી રવિ દુવુરુએ વધુમાં ઉમેર્યું કે, અમે આનંદ અનુભવીએ છીએ કે અમે લગભગ ૫૦૦થી વધુ જિલ્લાઓમાં બેંકીંગ કારકિર્દી માટે તકો આપીશું, અમે સમગ્ર ભારતમાં વિશેષ ઉત્કૃષ્ટ સેવા આપવા માંગીએ છીએ. ગુજરાતમાં, વિવિધ સ્તરે તેના બેંકિંગ ટચપોઇન્ટ દ્વારા, બેંકે ૧૧૫૦ થી વધુ કર્મચારીઓને રોજગારી આપી છે. અમારી પાસે ગુજરાતમાં પહેલેથી જ મજબૂત નેટવર્ક છે. અમારી વ્યૂહરચના ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર વિવિધ આર્થિક સેવાઓ જેવી કે સેવિંગ્સકાઉન્ટ, બેંક ડિપોઝિટ્સ અને લોન્સ અને અન્ય ફાઈનાન્સિઅલ બેંકીંગ સેવાઓ પુરી પાડી ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોને સાંકળી લેવાની છે. તેમણે વધુમાં જણાવ્યું કે ૨૦૧૯ ના અંત સુધીમાં, બેંક રાજ્યભરમાં તેના શાખા નેટવર્ક વિસ્તરણની યોજના બનાવી રહ્યું છે.  હાલમાં જ કેપિટલ ફાઈનાન્સ ઈન્ટરનેશનલ, લંડને જના સ્મોલ ફાઈનાન્સ બેંકની ટીમના આ યોગદાનને ધ્યાનમાં રાખીને ભારતમાં ર૦૧૮ની સર્વશ્રેષ્ઠ સમાવેશી વિત્તિય સેવા આપવાવાળી સંસ્થા બતાવી છે. જુલાઇ ૨૦૧૮ માં બેંકે તેના બેંકીંગ કામગીરી શરૂ કરી અને તેના વિસ્તૃત ગ્રાહક આધારને આવરી લેવા માટે, તેણે ૧૮૯ બેંકની શાખાઓ શરૂ કરી દીધી છે, જેમાં અનામત ગ્રામીણ વિસ્તારોમાં ૩૭ શાખાઓ શામેલ છે. તેના મોટાભાગના ફાઈનાન્સ સ્ટોરફ્રન્ટસને બેંક શાખાઓમાં રૂપાંતરિત કર્યા પછી ૨૦૧૯ના અંત સુધીમાં ૧૯ રાજ્યોમાં ૫૦૦ શાખાઓ કાર્યરત થશે, તેની ૧૫૦ શાખાઓ નાના અને મધ્યમ ઉદ્યોગોને પણ આર્થિક મદદ પૂરી પાડશે.ગ્રાહકોની વિવિધ આવશ્યકતાઓને પૂરી કરવા માટે,શરુઆતમાં બેંક માઈક્રો ફાઈનાન્સ લોન આપવાનું ચાલુ રાખશે, અને તે સાથે જ વ્યવસાય લોન, કૃષિ લોન, પોષણક્ષમ આવાસ લોન અને સ્વર્ણ લોન પણ આપશે.

(10:02 pm IST)