Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

આરટીઓમાં નવા વાહનના રજિસ્ટ્રેશનને લઇને ભરાવો

બેકલોગના ભરાવાના નિકાલ માટે સતત કામગીરી : નવરાત્રિ, આઠમ અને દશેરાને લઇ નવા વાહનોના વેચાણ અને રજિસ્ટ્રેશનની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળાની શકયતા

અમદાવાદ,તા. ૧૫ : આરટીઓની વાહન સંબંધિત તમામ કામગીરી હવે અમદાવાદમાં જ નહીં પણ રાજ્યભરમાં ઓનલાઈન ફરજિયાત કરાઈ છે. મેન્યુઅલ કામગીરીની તુલનાએ ઓનલાઇન કામગીરીની પ્રક્રિયા ઝડપી બની છે, છતાં રાજ્યની સૌથી મોટી અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓમાં નવાં વાહનોના રજિસ્ટ્રેશન માટેનો પાંચ હજારથી વધુ વાહનોનો બેકલોગ થતાં આરટીઓ કચેરીને ઉજાગરો કરીને પણ આ કામગીરી લાઈન અપ કરવાની ફરજ પડી છે. નવરાત્રિ પર્વની શરૂઆત સાથે જ હવે તહેવારોની સિઝન હવે શરૂ થઈ રહી છે. નવરાત્રીના દિવસો આઠમ અને દશેરાના દિવસે સૌથી વધુ નવાં વાહનોનું વેચાણ થાય છે. આ સમયે નવા રજિસ્ટર્ડ થયેલાં વાહનોની કામગીરીનો બેકલોગ વધુ સંખ્યામાં વધી શકે છે. તેથી આરટીઓ તંત્રએ અત્યારે જૂનો બેકલોગ દૂર કરવા માટે અડધી રાત સુધી કચેરી ખુલ્લી રાખીને કામગીરી કરવાનું શરૂ કર્યું છે. તા.૧ ઓગસ્ટથી તમામ આરટીઓમાં ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેમાં નવાં વાહનોના રજિસ્ટ્રેશન અને ર્પાસિંગની વિધિ ઓનલાઈન કરવામાં થઈ રહી છે. નવાં વાહનો જે માલિકે ખરીદ્યાં હોય તેના તમામ પેપર્સ ડીલરોએ ઓનલાઈન અપલોડ કરવાના રહે છે અને એક જ સોફટવેર મારફતે આ ઓનલાઈન અપલોડ થયેલાં પેપર્સ આરટીઓમાં બેઠેલા ઈન્સ્પેકટર તપાસી શકે છે. પેપર સહિત તમામ ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ આરટીઓ તેને ઓનલાઈન એપ્રૂવલ આપે છે અને રજિસ્ટ્રેશનનું પેમેન્ટ થયા બાદ આરસી બુક માટે તેને ગાંધીનગર રીફર કરાય છે. ગુજરાતમાં વાહનોની સંખ્યામાં સખત વધારો નોંધાયો હતો. ગયા વર્ષે ૧૦ લાખથી પણ વધુ નવાં વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. રાજ્યની આરટીઓમાં દર એક મિનિટે ૩ વાહનો રજિસ્ટર થાય છે ગત વર્ષે નવાં ૧૭.૩૧ લાખ વાહનો નોંધાયાં છે. વાહનનું ઓનલાઇન પેમેન્ટ (ટેક્સ અને ફી સહિત) ડોક્યુમેન્ટ અપલોડ, માલિકીની તબદીલી, સરનામાં બદલી, ડુપ્લિકેટ આરસી બુક, ગીરો (હાયપોથીકેશન)ની વિગતોની નોંધણી અથવા રદ કરવી ચાલુ રાખવું, રિન્યુઅલ રજિસ્ટ્રેશન, એન.ઓ.સી., ઓલ્ટરેશન ઓફ વિહિકલ, રિએસાઇમેન્ટ ઓફ ન્યુ રજિસ્ટ્રેશન નંબર, એપ્લિકેશન ફોર ફિટનેસ સર્ટિફિકેટ, વાહનની પરમિટ, વાહન નોંધણી વગેરે તમામ સેવાઓ ઓનલાઇન ફરજિયાત કરાઈ છે નવાં વાહનની નોંધણી માટેની અરજી ફોર્મ–ર૦ ઓનલાઇન વેબ પોર્ટલના માધ્યમથી ફોર્મ–ર૦ને ભરવાં ફરજિયાત છે.

તમામ પ્રક્રિયા ઓનલાઇન હવે ફરજિયાત છે ત્યારે દશેરામાં વેચનારા મોટી સંખ્યામાં વાહનોના રજિસ્ટ્રેશનનો ભરાવો ન થાય તે માટે તંત્રે જૂનો બેકલોગ હટાવવાનું શરૂ કર્યું છે. આ અંગે આરટીઓ તંત્રએ દાવો કર્યો હતો કે, આ એક સામાન્ય પ્રક્રિયા છે બેકલોગના કારણે વાહન માલિકોને કોઈ તકલીફ ન પડે, આરસી બુક અને અન્ય પેપર્સ સમયસર મળી જાય તે હેતુથી આરટીઓ કચેરીમાં ઓવરટાઈમ કામગીરી દ્વારા બેકલોગ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

(8:21 pm IST)