Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

PGVCL,DGVCL અને MGVCL પરીક્ષા રદ

અચાનક પરીક્ષા રદ કરાતાં ઉમેદવારોમાં રોષ : પરીક્ષા માટે નવી તારીખ એક મહિનામાં જ જાહેર કરવાની ઉર્જામંત્રીની ખાતરી : મેસેજ મારફતે તમામને જાણ કરાઈ

અમદાવાદ, તા.૧૪ :    રાજ્યમાં ગૌણ સેવાની ભરતી પરીક્ષાનાં હોબાળો હજુ શમ્યો નથી, ત્યારે વધુ એક ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે. સરકારી વીજ કંપની જીયુવીએનએલ તેમ જ પશ્ચિમ ગુજરાત વીજકંપની લિ.(પીજીવીસીએલ), દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.(ડીજીવીસીેલ) અને મધ્ય ગુજરાત વીજકંપની લિ.(એમજીવીસીએલ) માટે વિદ્યુત સહાયકો, ૧૫૦ એન્જિનીયરો અને ૭૦૦થી વધુ કલાર્કની જગ્યા માટે લેવાનારી પરીક્ષા રદ કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ પ્રકારે અચાનક પરીક્ષા રદ કરી દેવાતાં હજારો ઉમેદવારોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. રોષે ભરાયેલા ઉમેદવારોએ ગંભીર સવાલ ઉઠાવ્યા હતા કે, તેઓએ કરેલી સખત મહેનત અને પરિશ્રમનું હવે શું.,  આ પ્રકારે અચાનક પરીક્ષા રદ કરવાથી તેમની મનોસ્થિતિ બગડે છે અને તેની ગંભીર અસરો વર્તાય છે તે માટે કોણ જવાબદાર છે એમ કહી સરકાર અને તંત્ર પર રોષ ઠાલવ્યો હતો.

              દરમ્યાન રાજયના ઉર્જાપ્રધાન સૌરભભાઇ પટેલે ઉમેદવારોને હૈેયાધારણ આપી હતી કે, એક જ મહિનાના ટૂંકા ગાળામાં નવી તારીખો જાહેર કરી તે અંગેનું જાહેરનામું જારી કરાશે. આ ભરતી પરીક્ષા ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦થી વધુ કલાર્ક માટેની હતી. આ પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યાં વગર જ તંત્ર દ્વારા માત્ર એક મેસેજ આપીને ભરતી રદ કરવામાં આવી છે. જેના કારણે હાલ ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. આ અંગેનું નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. આ ભરતીનાં ફોર્મ વર્ષ ૨૦૧૮નાં જુલાઇ મહિનામાં ભરાવવામાં આવ્યાં હતાં. જે માટે દરેક ઉમેદવારો પાસેથી ૫૦૦ રૂપિયા લીધા હતાં. ભરતી રદનાં મેસેજમાં તેવું પણ જણાવવામાં આવ્યું છે કે, પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફી રીફન્ડ મળશે.

              થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે. સૂત્રો પાસેથી જાણવા મળી રહેલી વિગત પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા આ ભરતી માટેની લાયકાત નક્કી કરવામાં આવી હતી, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે આ ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે.આ પરીક્ષા રદ કરવા પાછળ સરકારે કારણ આપ્યું છે. સરકારે ઇડબલ્યુએસના ક્વોટાના નિયમના અમલવારીના કારણે પરીક્ષા રદ કરવામાં આવી હોવાની પણ ભારે ચર્ચા છે. બીજીબાજુ, વિપક્ષ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કે, સરકારી ભરતીમાં ગોટાળા અને તેમના મળતીયાઓને ગોઠવવા જ પરીક્ષા રદ કરવામાં આવી છે. ગુજરાતમાં સરકારી નોકરીની પરીક્ષાઓમાં ગેરરીતિ એ નવી વાત નથી, ભાજપ સરકારના રાજમાં લાખો નોકરીવાંચ્છુ ઉમેદવારો આવી ગેરરીતિઓ અને કૌભાંડના કારણે જ બેરોજગાર રહી ગયા છે, જે બહુ ગંભીર બાબત કહી શકાય.

 

(8:47 pm IST)