Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ઉંઝામાં શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં લક્ષચંડી મહાયજ્ઞની તૈયારીઓને આખરી ઓપઃ ભાવિકો ધક્કામુક્કી વગર સરળતાથી માતાજીના દર્શન કરી શકશે

મહેસાણા : ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર સુધી યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની ધમધોકાર તૈયારી ચાલી રહી છે. રિપોર્ટ પ્રમાણે ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞમાં 80 લાખથી વધુ દર્શનાર્થીઓ આવવાની તૈયારીના ભાગરૂપે દર્શન કમિટી દ્વારા ઐઠોર ચોકડીથી નિજ મંદિર સુધી કોરિડોરની રચના કરવામાં આવી છે જેથી ધક્કા મૂકી વગર અને સરળતાથી માતાજીનાં દર્શનનો લાભ મળી શકે. આ ઉપરાંત નિજ મંદિરમાં પણ પેવેલિયન સ્ટેજ મુજબ વ્યવસ્થા 8 લાઈન કરાઈ છે, જેથી પહેલીથી છેલ્લી લાઇન સુધીમાં દર્શન થઈ શકશે.

તંત્ર ખડેપગે

એસટી વિભાગ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવને પગલે 18થી 22 ડિસેમ્બર સુધી એક્સ્ટ્રા બસો દોડાવશે. મહેસાણા, પાલનપુર, ભુજ, હિંમતગર, અમદાવાદ, સહિત વિવિધ જિલ્લાના ડેપોથી એક્સ્ટ્રા બસો મુકાશે. બુથ નં.1 પરથી કેવલેશ્વર મહાદેવ મંદિરથી પાછળ એક્સટ્રા બુથ પરથી સાંબરકાંઠા, ગોધરા, ગાંધીનગર, વિસનગર, તરફ જવા આવવા માટે એકસ્ટ્રા બસો તથા બુથ નં. 2 પરથી મલાઈ તળાવ તરફના એક્સ્ટ્રા એસટી બુથ પરથી બનાસકાંઠા, પાટણ, કચ્છ, વડનગરની બસ દોડાવાશે.

ભવ્ય ઉત્સવ

ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર સુધી યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આયોજકોનું માનીએ તો કુલ પાંચ દિવસ સુધી ચાલનારા લક્ષચંડી હવન મહોત્સવમાં ગુજરાત સહિત દેશ-વિદેશથી અંદાજે 80 લાખથી વધારે દર્શનાર્થીઓ હાજર રહી માતાજીના દર્શનનો લહાવો લેશે. શક્તિના ધામમાં આ મહોત્સવ થકી લાખોની સંખ્યામાં એકજૂથ થઈને ફરી એકવાર પાટીદારો પોતાની શક્તિનો પરચો દુનિયાને આપશે. પાંચ દિવસ ચાલનારો આ મહોત્સવ એક પ્રકારે પાટીદાર પાવરના શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવાઈ રહ્યો છે. દેશભરના મોટા નેતાઓ, ધર્મગુરુઓ, જાણીતા ઉદ્યોગકારો સહિતના મહાનુભાવો આ લક્ષચંડી યજ્ઞમાં હાજરી આપશે. કડવા પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયાને રીઝવવા અને સમાજ ભક્તિ સાથે જ્ઞાનની શીખ મેળવે તે માટે અંદાજિત 150 કરોડના ખર્ચે આ લક્ષચંડી યજ્ઞનું આયોજન કરાયું છે. મહત્વનું છેકે, આ સમગ્ર કાર્યક્રમમાં કોઈપણ માણસો બહારથી રોકવામાં આવ્યા નથી અને તમામ કામોમાં પાટીદાર સમાજના કાર્યકરો ખડે પગે રહીને સેવા આપી રહ્યાં છે. લક્ષચંડી સાથે વિવિધ ઈવેન્ટનું પણ વિશેષ આયોજન કરાયું છે જેમાં ખેડૂતથી લઇને નાના ભૂલકાઓ માટે પણ રાઈડ અને સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે.

(5:24 pm IST)