Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

દારૂની મહેફિલ માણતા ૧૪ શખ્સની ધરપકડ કરી લેવાઈ

અડાલજમાં ક્રિકેટ મેચ સાથે દારૂની મહેફિલ : પોલીસ દરોડામાં ૯ બોટલ દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત

 અમદાવાદ, તા.૧૪ : અડાલજના ત્રિમંદિર પાસે આવેલા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ દરમ્યાન દારૂની મહેફિલ માણતા ૧૪ શખ્સની અડાલજ પોલીસે ધરપકડ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસે ૯ દારૂની બોટલ, ૧૪ મોબાઈલ અને ૧ કાર કબ્જે કરી છે. આરોપી કેવિન પટેલે બહેનના લગ્ન થવાના હોવાથી પાર્ટી આપી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અડાલજ પાસે ત્રિમંદિર રોડ પર સોહમ કોલ્ડ સ્ટોરેજ પાસે આવેલા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ ચાલી રહી છે. કેટલાક છોકરા અને છોકરીઓ ત્યાં બેઠા છે અને તેમાં કેટલાક લોકો દારૂની મહેફિલ પણ માણી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમી અડાલજ પોલીસને મળી હતી. જેના આધારે અડાલજ પોલીસની ટીમે સ્ટાફના કાફલા સાથે ગ્રાઉન્ડમાં રેડ કરી હતી. પોલીસે રેડ કરતા ગ્રાઉન્ડમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે, પોલીસે તમામ શખ્સોને પકડી લીધા હતા. જેમાંથી ૧૪ જેટલા શખ્સ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા.

                 કેટલીક યુવતીઓ પણ ખુરશીમાં બેઠેલી હતી. જો કે, તેને તપાસતા તેઓએ દારૂ પીધેલો ન હતો. પોલીસે ૯ દારૂની બોટલ, ૭ ખાલી બોટલ, નમકીનના પડીકા કબ્જે કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ એવી હકીકત સામે આવી હતી કે, ઘાટલોડિયાની ન્યુ ઉમિયા વિજય સોસાયટીમાં રહેતા કેવિન પટેલે તેની બહેનના લગ્ન હોવાથી મિત્રો અને ફેમિલીને દારૂની પાર્ટી આપી હતી. પાર્ટીના ભાગરૂપે ક્રિકેટ મેચ દરમ્યાન દારૂની મહેફિલ શરૂ થઇ જતાં પોલીસને બાતમી મળી ગઇ હતી, જેના કારણે પોલીસે તાત્કાલિક દરોડા પાડી તમામ શખ્સોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. પોલીસે તમામ સામે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, આ બનાવને પગલે સમગ્રવ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

ઝડપાયેલા આરોપી.....

*       સોહમ દેવેન્દ્રભાઈ પ્રજાપતિ ( ગાંધીનગર)

*       રૂમિત હરીશભાઈ પટેલ (આંબાવાડી, અમદાવાદ)

*       અર્પિત પંકજભાઈ શાહ (આંબાવાડી, અમદાવાદ)

*       મીલન બળવંતભાઈ પટેલ ( ટેલીફોન એક્સચેન્જ, બોપલ )

*       પાર્થ શૈલેષભાઈ પટેલ (નારણપુરા )

*       સૌમીલ નરસિંહભાઈ પટેલ (અગ્રવાલ ટાવર, અમદાવાદ)

*       સંકેત ભરતભાઈ પટેલ (હિમાલીયા મોલ )

*       ધ્રુવ ચંદ્રકાંત પટેલ (ગુલાબટાવર, થલતેજ )

*       વિશ્વજીતસિંહ જટુભા રાણા (થલતેજ )

*       નકુલ પ્રવિણભાઈ પટેલ (બોડકદેવ)

*       ચિરાગ સુરેશભાઈ પટેલ (ઘાટલોડીયા)

*       જીગર વિરેન્દ્રભાઈ પટેલ (ઉસ્માનપુરા )

*       વંદીત અરવિંદભાઈ પટેલ (નવરંગપુરા)

*       કેવીન સુનીલભાઈ પટેલ (ઘાટલોડીયા)

(8:49 pm IST)