Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની નજીક કોઠી અને ઘાવડી ગામ વચ્ચે ખાડીમાં ૧૩ વર્ષની બાળાનો પાણીમાંથી ચમત્કારી બચાવ

નર્મદા :નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની મોસમમાં નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 137.43 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ છે. તેની સાથોસાથ નર્મદા ડેમના 23 દરવાજા 4.15 મીટરે ખુલ્લા નર્મદા નદીમાં 8 લાખ 16 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેને કારણે નર્મદા કાંઠે આવતા અનેક ગામો અને વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. આવામાં પાણીના ધસમસતા પ્રવાહમાં 13 વર્ષની બાળકી ફસાઈ ગઈ હતી. જેને પોલીસ તથા સ્થાનિક લોકોએ દોરડું નાંખીને બચાવી હતી.

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની નજીક કોઠી અને ધાવડી ગામ વચ્ચે વહેતી ખાડીમાં 13 વર્ષની સુરેખા તડવી નામની બાળખી નહાવા ગઈ હતી. આ સમયે અચાનક જ ખાડીમાં પાણી વધી ગયું હતું. જેને કારણે તેણે બૂમાબૂમ કરી હતી. પણ તે ખાડી વચ્ચે આવેલા એક પથ્થર પર ઉભી રહી ગઈ હતી. જેથી તેનો જીવ બચી ગયો હતો.

આ વિશે જાણ થતા જ સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. તેમજ ગ્રામજનો પણ બાળકીને બચાવવા મદદે આવ્યા હતા. સ્થાનિક તરવૈયા અને પોલીસની મદદથી પાણીના વેગીલા પ્રવાહમાં ફસાયેલી બાળકીને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવી હતી. બે કલાકના દિલધડક રેસ્ક્યુ બાદ પોલીસે અને સ્થાનિક ગ્રામજનોએ બાળકીને બચાવી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાને કારણે જિલ્લાના 20 જેટલા ગામોને 3 દિવસથી એલર્ટ કરાયાં છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આગામી સમયમાં વધુ પાણી છોડવામાં આવે તો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાઓ સાથે પૂર્વ તૈયારી કરી લીધી છે.

(5:49 pm IST)