Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

અમે દારૂડીયા હતા તો સન્માન કેમ કર્યું, અપમાનજનક શબ્દો કોઇ કલાકારોને મંજૂર નથીઃ કિર્તીદાન ગઢવી-હરેશદાન ગઢવીનો આક્રોશ

અમદાવાદઃ નીલકંઠવર્ણીના વિવાદમાં ગુજરાતના જાણીતા કલાકારોએ મોરારિબાપુના સમર્થનમાં રત્નાકર એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. શુક્રવારે ગુજરાતની લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી, લોકગાયક કિર્તીદાન ગઢવીએ પણ એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી છે. આ કલાકારોએ એવોર્ડ પરત કરતા જણાવ્યું હતું કે, કલાકારોની હૃદય ખૂબ જ કોમળ હોય છે. જો તેમના વિશે કોઈ એવી ટિપ્પણી કરે કે તેઓ દારૂ પીને કાર્યક્રમો કરે છે તો ખરેખર લાગી આવે. આ જ કારણે તેઓ એવોર્ડ પરત આપી રહ્યા છે. જાણીએ એવોર્ડ પરત કર્યા બાદ કોણ શું કહ્યું?

આ લોકોએ માથે ઓઢી લીધું : હાસ્યકલાકાર માયાભાઈ આહિરે 'રત્નાકર' એવોર્ડ પરત આપવા વિશે કહ્યુ કે,"દરેક કલાકાર ભારતની સંસ્કૃતિની ધરોહર છે. સ્વામિનારાયણ સંપ્રદાય પણ કલાકારોને ખૂબ માન આપતા હતા અને અમારા કાર્યક્રમ કરતા હતા. અમે કલાકારો ભાવના ભુખ્યા હોઈએ છીએ. છેલ્લા દિવસોમાં નાના એવા શબ્દએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને દરેક સ્વામીએ નિવેદનો આપ્યા છે. અમે 100% એ વાત સ્વીકાતા પરંતુ બાપુના શબ્દમાં એવી વાત હતી જ નહીં. મારા ફળિયામાં કાળી કૂતરી નીકળે અને હું એવું કહું કે, 'મર કારી કૂતરી', આ સાંભળીને પાડોશના બહેન ખોટું લગાડે એવું જ આ લોકોએ કર્યું છે. આવું કહીને જ આ લોકોએ માથે ઓઢી લીધું હતું.

અપમાન કરવા નહીં સહજ ભાવથી એવોર્ડ પરત કર્યાં : "આ લોકોએ જ્યારે માફી માંગતા એવું કહ્યું કે અમે તમારા પણ 'રત્નાકાર' એવોર્ડ આપીને સન્માન કર્યા છે ત્યારે ખબર પડી કે જે સંસ્થા આપણું સન્માન કરે છે તેમણે જ આપણું અપમાન કર્યું છે. સન્માન અને અપમાન બંનેને સાથે હૃદયમાં કેમ રાખવું તેવું વિચારીને લાગી આવ્યું હતું. કોઈ પણ કલાકારનું હૃદય કોમળ હોય છે. કોઈ પણ કલાકારને લાગી આવે તેમ અમને પણ લાગી આવ્યું છે. તેમનું અપમાન કરવા માટે નહીં પરંતુ સહજ ભાવથી જ તેમને સન્માન પરત કર્યાં છે."

અમે દારૂડિયા હતા તો સન્માન કેમ કર્યું? : "સ્વામીના નિવેદનથી અમને ખૂબ ખોટું લાગ્યું હતું. અમે જો દારૂડિયા હતા તો અમારું સન્માન કેમ કર્યું? મોટાભાગના કલાકારો ધર્મ સાથે સંકળાયેલા છે. બાપુના વિચારથી અમારા કલાકારોમાં પણ એકતા આવી છે. અમે એક બાપના દીકરા હોઈએ એવી રીતે રહીએ છીએ. અમારા શ્રોતાઓ અમને ફોન કરીને પૂછતા હતા કે ક્યા કલાકારે દારૂ પીને સ્ટેજ પરથી કાર્યક્રમ આપ્યો કે બગાડ્યો છે. એક સંતના મોઢે આવા શબ્દો નીકળે તે વ્યાજબી નથી. કોઈ સામાન્ય માણસ કદાચ આવું બોલે તે ચાલી પણ જાય. કોઈ સંતના મોઢે આવા શબ્દો નીકળે અને તે પણ જો બગસરાના હોય તો ખરેખર લાગી આવે."

આ મામલે ભજન કલાકાર કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતું કે, "મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંતો વચ્ચે સમાધાન બાદ પણ કલાકારો વિશે અવિરત ટિપ્પણી કરવામાં આવી રહી છે. કલાકારોને નીચા બતાવવા માટે એવા નિવેદનો કરે છે કે તેઓ દારૂ પીને કાર્યક્રમો કરે છે. એક હાથે સન્માન કરે છે અને બીજા હાથે અપમાનજનક શબ્દો બોલે છે તે કોઈ કલાકરોને મંજૂર નથી. આ વાતને લઈને અમે જેટલા પ્રેમથી રત્નાકાર એવોર્ડ સ્વીકાર્યો હતો એટલે જ પ્રેમથી પરત કરીએ છીએ."

આ મામલે લોક કલાકાર હરેશદાન ગઢવીએ જણાવ્યું કે, "મોરારિબાપુ સાથે અમારો પ્રેમભાવ છે. તાજેતરમાં સ્વામિનારાયણ સંતો દ્વારા કલાકારો અને મોરારિબાપુ વિશે જે ટિપ્પણી કરવામાં આવી તેનાથી કલાજગતના તમામ લોકોને રંજ થયો છે. આથી જે પ્રેમ અને ભાવથી સરધાર સ્વામિનારાયણ મંદિરે અમને રત્નાકાર એવોર્ડ આપ્યો હતો તે પરત કરું છું. આ ટિપ્પણીના રંજને કારણે અમે એવોર્ડ અને એવોર્ડ રકમને પણ પરત કરીએ છીએ."

(5:43 pm IST)