Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

દરિયાપુરની યુવતીના ફોટો ફેક આઈડી બનાવી ઈન્સ્ટાગ્રામ પર અજાણ્યા શખ્સે અપલોડ કર્યા

દરિયાપુર પોલીસે અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ આદરી

અમદાવાદના દરિયાપુરમાં રહેતી 21 વર્ષીય યુવતીના ફોટો ફેક આઈડી બનાવી ઈન્સ્ટાગ્રામ પર અપલોડ અજાણ્યા શખ્સે કર્યા હતા. અજાણ્યા શખ્સે યુવતીનું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું. આમ અજાણ્યા શખ્સ વિરુદ્ધમાં યુવતીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના દરિયાપુર વિસ્તારમાં 21 વર્ષિય યુવતી પરિવાર સાથે રહે છે અને વોડાફોન કંપનીમાં નોકરી કરે છે. યુવતી શોસિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ આઇડી ધરાવે છે. તે અવાર નવાર ઇન્સ્ટા આઇડી પર જુદા જુદા ફોટા પણ અપલોડ કરતી હતી. યુવતીના ઇન્સ્ટામાં 1800ની આસપાસ ફોલોઅર પણ છે. 14 ઓગષ્ટના રોજ એક ફોટો યુવતીએ અપલોડ કર્યો હતો.

2 સપ્ટે.ના રોજ તે પોતાના ઘરે હતી ત્યારે તે પોતાના ફોટામાં કોમેન્ટ અને લાઇક જોઇ રહી હતી ત્યારે એક મનીષ નામના આઇડી પરથી લાઇક મળી હતી. જો કે, તે આઇડીમાં તેનો પોતાનો જ ફોટો હતો. જેથી આ મામલે યુવતીએ તેની સાથે ચેટિંગ કરી તપાસ કરી હતી. પરંતુ સામેવાળી વ્યક્તિએ બરોબર જવાબ આપ્યો ન હતો.

જોકે બાદમાં જાણવા મળ્યું હતું કે, તેનો ફોટો ખોટી આઇડીમાં ખોટો વ્યક્તિ વાપરી રહ્યો છે. જેથી તેણે 100 નંબર પર ફોન કર્યો હતો. ત્યારબાદ દરિયાપુર પોલીસ મથકમાં આ મામલે અરજી પણ આપી હતી. અરજીની પ્રાથમિક તપાસ બાદ પોલીસે મનીષ નામના આઇડી ધારક સામે આઇટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:18 pm IST)