Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સુરતના રુસ્તમપુરામાં સ્તનપાન કરાવીને સુવડાવેલ બાળક અચાનક મૃત્યુ પામતા માતાને માથે આભ ફાટ્યું

સુરત:  રૃસ્તમપુરામા સોમવારે મોડી રાત્રે માતાએ સ્તનપાન કરાવીને સુવડાવેલો બાળક મંગળવારે સવારે હલન ચલન નહીં કરતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો.  ત્યાં તેને મૃત જાહેર  કરાયો હતો. 

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ રૃસ્તમપુરા ખાતે અકબર શહીદનો ટેકરા પર રહેતા જાવેદભાઈ શેખ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરે છે. ગત મોડી રાત્રે તેની પત્ની શહેરબાનુએ તેમનો 15 દિવસનો બાળક હસનને સ્તનપાન કરાવ્યું  હતું.  બાદમાં તેને સુવડાવી દીધો હતો. આજે સવારે બાળક હલન ચલન કરતો ન હોવાથી માતા - પિતા  ગભરાઈ ગયા હતા અને પછી બાળકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.  જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પરિવાર મૂળ મહારાષ્ટ્રનો વતની છે. તેમને સંતાનમાં અન્ય બે પુત્રી અને એક પુત્ર છે.

નવી સિવિલના બાળકો વિભાગના વડા ડો. સંગીતાબેન ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે માતાએ સ્તનપાન કરાવીને તરત સુવડાવવાને બદલે બાળકને પોતાના ખભા પર મૂકીને હળવા હાથ વડે પીઠ થાબડવી જોઇએ. સ્તપાન કરતી વખતે દુધ સાથે  થોડી બહારની હવા જતી હોય છે. જેથી બાળકની પીઠ થાબડવાથી હવા બહાર આવે છે. સ્તનપાન કરાવીને  તરત સુવડાવાથી દુધ ફેંફસા અને શ્વાસ નળીમાં જવાની સકયતા છે. જેથી બાળકને એસપીરેશન થઇ શકે છે. જેના પગલે કોઇ વખત બાળક મોતને ભેટવાની શકયતા છે. જેથી માતાએ સ્તનપાન કરાવ્યા બાદ બાળકને પોતાના કે અન્ય પરિવારના સભ્યના ખભા પર મૂકીને પીઠ થાબડાવી જોઇએ. 

(5:53 pm IST)