Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

આણંદ નજીક હાડગુડમાં લોન લઇ હપ્તા ન આપનાર શખ્સને ચેક રિટર્નના કેસમાં અદાલતે એક વર્ષની સજાની સુનવણી કરી

આણંદ : આણંદ પાસેના હાડગુડ ગામની ક્રેડીટ સોસાયટીમાંથી લોન લઈ હપ્તા પેટે ચેક આપનાર શખ્શનો ચેક રીટર્ન થવાના બનાવમાં આણંદની કોર્ટે હાડગુડના શખ્શને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને રૂા.૫ હજારનો દંડ ફટકારતો ચુકાદો સંભળાવ્યો છે.

આણંદ પાસેના હાડગુડ ગામે આવેલ ધરતીનગર સોસાયટી ખાતે રહેતા રાજેશભાઈ ચંદુભાઈ જાદવે હાડગુડની ક્રેડીટ સોસાયટીમાંથી ગત તા.૨૧-૬-૨૦૧૩ના રોજ રૂા.૩૦ હજારની સભાસદ લોન લીધી હતી. જે લોનના અંતે હપ્તા ચઢતા રૂા.૭૧,૫૦૦ની રકમ લેણી નીકળતી હોઈ રાજેશભાઈ જાદવે ક્રેડીટ સોસાયટીને ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં ભરતા અપુરતા બેલેન્સના કારણે પરત ફર્યો હતો. જેથી મંડળીના મેનેજરે આ અંગે ચેક પરત ફર્યાના મેમા સહિતના પુરાવા સાથે આણંદની કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં આણંદના પાંચમાં એડી. ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટની કોર્ટમાં આ કેસ ચાલી જતા મૌખિક તથા દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં રાખી ન્યાયાધીશે રાજેશભાઈ ચંદુભાઈ જાદવને નેગોશીએબલ એક્ટ હેઠળ તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ સંભળાવ્યો હતો. સાથે સાથે ખર્ચે પેટે રૂા.૫ હજાર મંડળીને ચુકવવાનો પણ હુકમ કર્યો હતો. જો નાણાં ચુકવવામાં કસુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો પણ હુકમ સંભળાવ્યો છે.

(5:48 pm IST)