Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

અલગ-અલગ કોર્ટમાં ચાલેલા કેસમાં પત્ની અને પતિ બંને જીત્યા પણ રહ્યા ઠેરના ઠેર

શહેરની ફેમિલી કોર્ટે એક પતિને ડિવોર્સ ડિક્રી આપી છે. જયારે અન્ય કોર્ટે પત્નીએ ત્રણ વર્ષ પહેલા કરેલી લગ્ન પ્રાપ્ત અધિકાર પુનઃસ્થાપિત કરવાની અરજીને માન્ય રાખી છે : પતિ અને પત્ની બંનેની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો પતિના કેસની સુનાવણીમાં પત્ની હાજર ના રહી અને પતિ પત્નીની અરજીની સુનાવણી વખતે ગેરહાજર હતો : છૂટાછેડા અને લગ્ન પ્રાપ્ત અધિકારોનો ગૂંચવાડાભર્યો કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે

અમદાવાદ તા. ૧૩ : શહેરની ફેમિલી કોર્ટે એક પતિને ડિવોર્સ ડિક્રી આપી છે. જયારે આ જ કેમ્પસમાં આવેલી અન્ય એક કોર્ટે લગ્નપ્રાપ્ત અધિકાર પુનઃસ્થાપિત કરવાની પત્નીની અરજી માન્ય રાખી હતી. ત્રણ વર્ષ પહેલા આ બંને અરજી કરવામાં આવી હતી. હવે આ બંને અપીલની સુનાવણી માટે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા છે.

સોમવારે જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વી.ડી. નાણાવટીની બેન્ચે ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા વિરોધાભાસી આદેશો પર સવાલ ઉઠાવ્યો હતો. જવાબમાં કહેવામાં આવ્યું કે, પતિએ ડિવોર્સ ડિક્રી માટે કરેલી અરજીની સુનાવણી કોર્ટ નંબર ૨માં ચાલતી હતી. આ સુનાવણીમાં પત્ની હાજર ના રહી શકી કારણકે તેને બાજુમાં આવેલી કોર્ટમાંથી સમન્સ મળ્યું હતું.

પતિની અરજી પર સુનાવણી ચાલતી હતી એ જ વખતે પત્નીએ હિન્દુ મેરેજ એકટના સેકશન ૯ અંતર્ગત લગ્નપ્રાપ્ત અધિકારો પુનઃસ્થાપિત કરવા કરેલી અરજી પર કોર્ટ નંબર ૩માં સુનાવણી ચાલી રહી હતી. પત્નીની અરજીની સુનાવણી દરમિયાન પતિ ગેરહાજર હતો. આ પ્રકારે બંને પક્ષોનો મુકદમો થોડા વર્ષો સુધી ચાલતો રહ્યો અને બંને કોર્ટે ૨૦૧૮માં જે-તે પક્ષકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

પતિને તેના લગ્નપ્રાપ્ત અધિકારોનો ઉપયોગ કરવાનો આદેશ આપતા ચુકાદાને તેણે ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પતિની અપીલ હજી પેન્ડિંગ હતી ત્યાં જ પત્નીએ ડિવોર્સ ડિક્રીને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી. પત્નીનું કહેવું છે કે, તેનો પક્ષ સાંભળ્યા વિના જ આ આદેશ આપી દેવાયો છે.

પતિના વકીલે દલીલ કરી કે, પત્નીને ડિવોર્સની પ્રક્રિયા વિશે જાણકારી હતી તેમ છતાં તે સુનાવણી દરમિયાન હાજર ના રહી અને બીજી કોર્ટમાં વૈવાહિક અધિકારોની પુનઃસ્થાપનાની માગ કરતી અરજી કરી હતી. તો આ તરફ પત્નીના વકીલે દાવો કર્યો કે, તેના અસીલને ડિવોર્સના કેસ અંગે કોઈ સંકેત નહોતા મળ્યા. સમન્સ પબ્લિક નોટિસ તરીકે મળ્યું હતું, જે છાપામાં છપાયું હતું.

આ કપલના લગ્ન ૨૦૦૮માં થયા હતા અને તેઓ ૨૦૧૩થી અલગ રહે છે. તેમની ૧૧ વર્ષની દીકરી છે અને તે તેના પિતા સાથે રહે છે. હાઈકોર્ટે પત્નીની અરજી ગ્રાહ્ય રાખી છે અને બંને પક્ષો દ્વારા કરવામાં આવેલી અરજીની એકસાથે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.

(12:45 pm IST)