Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

પાલનપુર તાલકાના વાસણ(ધા) ગામે પુરૂષો મહિલાઓના વસ્ત્રો પહેરીને માતાજીને રીઝવે છેઃ અનોખી પરંપરા

બનાસકાંઠા: પાલનપુર વિસ્તારમાં એક અનોખું ગામ છે, જ્યાં પુરુષો ચણિયાચોળી પહેરી દિવસે ગરબે ઘૂમે છે અને શરીર પર કોરડા જીલે છે. પરંપરા મુજબ અહીં પુરુષો મહિલાઓ બની માતાજીને રીજવે છે. આ અનોખી પરંપરાને જોવા લોકોનો મેળાવડો ઉમટે છે.

પાલનપુર તાલુકાના વાસણ(ધા) ગામે આઠમની સાંજના સુમારે મંદિરના પટાંગણમાં નોરતિયા અને માતાજીના શેળિયા બની ચણિયા પહેરેલા પુરુષો ગરબે ઘૂમ્યાતા નજરે પડે છે .વર્ષોથી ચાલી આવતી  પરંપરા મુજબ વાસણ ગામના ઠાકોર સમાજના લોકો ખાસ કરીને ચણીયા પહેરી અને ગરબે ઘૂમે છે અને માતાજીની ભક્તિ કરી અને નવરાત્રિની આઠમની અનોખી ઉજવણી કરે છે.

પાલનપુર તાલુકાના વાસણ(ધા) ગામે પ્રતિવર્ષ નવરાત્રિના આઠમના દિવસને વિશિષ્ટ રીતે ઉજવવામાં આવે છે. જેમાં સાંજના સુમારે ગામના ઠાકોર ભાઇઓ નોરતિયા બની ધૂણતા-ધૂણતાં અંબાજી માતાના મંદિરે જઈ પુરુષો માતાજીના શેળિયા બની ચણિયા પહેરી ગરબે ઘૂમેં છે, જોકે આઠમ નો અહીં મેળો ભરાય છે અને ત્યારબાદ આ પળો માણવા માટે આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં પ્રજાજનો ઉમટી પડે છે.

ઉલ્લેખનીય છે કે, નોરતિયા બનેલા યુવકો માતાજીના ગરબે રમ્યા બાદ મંત્રેલુ લીંબુ ઉપાડવાની વિધિ સંપન્ન થયા બાદ કોરડાનો માર પણ ઝીલી અને માતાજીની ચાલી આવતી પરંપરા પ્રમાણે અહીં આઠમની ઉજવણી થાય છે. વાસણ ગામે જ્યાં પુરુષો મહિલાઓના વેશમાં ગરબે ઘૂમી અને માતાજીને રીઝવવા જોવા મળે છે. ત્યારે દર વર્ષે અહીં આઠમની અનોખી રીતે ઉજવણી થાય છે. વર્ષો જૂની આ પરંપરાની ખ્યાતિ સમગ્ર જિલ્લામાં પણ પ્રસરવા પામી છે.

(5:23 pm IST)