Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

નિષ્ક્રીયતા, રાજીનામા અને અસંતોષના કકળાટ વચ્ચે

૧૦મીએ ગુજરાત આવશે રાહુલ ગાંધી

અમદાવાદ, તા. ૭ : એક તરફ રાજયમાં છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પ્રચારનો પ્રારંભ થઇ ચૂકયો છે ત્યારે આગેવાનોની નિષ્ક્રીયતા, રાજીનામાના દોર અને અસંતોષના કકળાટ વચ્ચે આગામી કોર્ટ મુદ્દતને અનુલક્ષીને રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યા છે ત્યારે રાજય પ્રભારી અચાનક અમદાવાદ દોડી આવ્યા હતા અને મુખ્ય આગેવાનો સાથે મુલાકાત કરી હતી.

પ્રદેશના આગેવાનોએ ગઇકાલે રાહુલ ગાંધી વિરૂદ્ધના કોર્ટ કેસ મામલે લીગલ સેલ સહિત એડવોકેટ સાથે ચર્ચા વિચારણા કરી હતી. માનહાનીના કેસમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખને રાહત મળી નથી ત્યારે રાહુલ ગાંધી ગુજરાત આવી અદાલતમાં હાજર રહેશે તેમ મનાય છે.

કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધી ૧૦મીએ ગુજરાત આવી રહ્યા છે ત્યારે સંભવત તેઓ રાત્રી રોકાણ કરી ૧૧મીના રોજ પણ ગુજરાતમાં રોકાણ કરશે તેમ મનાય છે.

પેટાચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસમાં અસંતોષ અને રાજીનામાનો કકળાટ છે ત્યારે કોંગ્રેસમાં જ અસરકારક વિપક્ષી ભૂમિકા ભજવામાં તથા ભાજપ સરકાર સામેના પડકારોમાં વિરોધ દર્શાવવામાં કોંગ્રેસ ઉણી ઉતર્યાનો સૂર ઉઠયો છે ત્યારે રાહુલ ગાંધીની મુલાકાત વખતે કોઇ વિરોધ કે રજુઆતો ન થાય તે માટે પણ ટોચના આગેવાનો સક્રિય બની ચર્ચા વિચારણા કર્યાનું મનાય છે.

(11:34 am IST)