Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

વડોદરા હાઇવે પર લુટારુએ બાઈક પર હુમલો કરી પરિણીતાના ગળામાંથી ચેનની તસ્કરી કરી

વડોદરા:હાઈવે પરથી પસાર થતા બાઈક સવાર શ્રમજીવી દંપતિ પર પાછળથી પલ્સર બાઈક પર આવેલા લૂંટારૃએ હુમલો કરી પરિણીતાના ગળામાંથી સોનાનો અછોડો તોડી લીધો હતો. ત્યારબાદ દંપતીને ધક્કો મારીને લૂંટારાઓએ પાડી દીધા હતા. જેમાં ઈજાગ્રસ્ત થયેલી પરિણીતાનું મોત નિપજ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે ડભોઈ રોડ એમ.એમ.વોરા શોરૃમની પાસે રૃદ્રાક્ષ હાઈટ્સમાં રહેતા નટવર કુબેરભાઈ રોહિત (ઉ.વ.૫૭) છૂટક મજૂરી કામ કરે છે. તેમના પત્ની શાંતાબેન ઘરકામ કરે છે. અને તેમનું મૂળ વતન જાંબુઘોડામાં આવેલું છે. ગઈકાલે બપોરે પોણા બે વાગ્યે નટવરભાઈ તથા તેમના પત્ની શાંતાબેન બાઈક લઈને ઘરેથી વતન જાંબુઘોડા જવા માટે નિકળ્યા હતા. કપુરાઈ ચોકડીથી વાઘોડિયા તરફ જવાના રસ્તે તેઓ જતા હતા. તે દરમિયાન પાછળથી બાઈક પર આવેલા એક અજાણ્યા લૂંટારૃએ બાઈકની પાછળ બેઠેલા શાતાબેનના ગળામાંથી સોનાનો અછોડો તોડીને બાઈકને ધક્કો માર્યો હતો. જેથી બાઈક સવાર દંપતિ નીચે પડી ગયા હતા. અને શાંતાબેનને માથામાં તથા મોઢાના ભાગે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત શાંતાબેનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ ટુંકી સારવાર બાદ શાંતાબેનનું મોત નિપજ્યું હતુ. પાણીગેટ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે

(5:24 pm IST)