Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ તબીબોનો કાફલો પણ ખડપગે

એક તરફ પારણા માટે ઘડીઓ ગણાઇ રહ્યાનુ અને બીજી તરફ લડી લેવા હુંકાર : નરેશ પટેલ મુખ્યમંત્રી પાસેથી 'ચોકકસ' બાંહેધરી મેળવીને વાતચીત કરશે તેવી પણ ચર્ચા : ઢળતી સાંજે હાર્દિક ઉપવાસ તોડે તેવો તખ્તો ગોઠવાયાની ચર્ચા

અમદાવાદ, તા.૭: છેલ્લા ૧૪ દિવસથી ઉપવાસ કરી રહેલો હાર્દિક પટેલ આજે નમતી સાંજે ઉપવાસ તોડે તેવો તખ્તો ગોઠવાઈ રહ્યો હોવાની ચર્ચા જાગી છે. આ માટે કથિત રીતે હાર્દિક પટેલે જ પાટીદાર આગેવાન જયરામ બાપા અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને મધ્યસ્થી બનાવી ઉપવાસ તોડવા તજવીજ દ્યડી હોય એવું સૂત્રો જણાવી રહ્યા છે.

સૂત્રોનું માનીએ તો હાર્દિકના ઉપવાસ પુરા કરવા અંગે માત્ર ઔપચારિકતા જ બાકી છે, તેમજ ઔપચારિકતા પુરી કરવા માટે જ નરેશ પટેલ મધ્યસ્થીની ભૂમિકા નિભાવી રહ્યા છે. સૂત્રો કહી રહ્યા છે કે નરેશ પટેલ સીએમ વિજય રૂપાણી પાસેથી કોઈ 'ચોકકસ' બાંહેધરી મેળવીને આ અંગેની વાતચીત હાર્દિક પટેલ સાથે કરશે. તેવી ચર્ચા જાગી છે.

આ 'ચોકકસ' બાંહેધરીને આધારે હાર્દિક નમતુ જોખશે તેવાસંકેત મળી રહ્યા છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને તબીબોનો કાફલો હાજર છે.

ઉપવાસને કારણે હાર્દિકની શારીરિક અસક્ષમતાને પહોંચી વળવા માટે તકેદારીના ભાગરૂપે હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે તમામ સરકારી સવલતો અને ડોકટરોની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવે તેવી પણ શકયતા છે.

૧૪ દિવસના ઉપવાસ પછી સરકાર પાસેથી શું બાંહેધરી મળે છે તેની ખબર તો આગામી દિવસોમાં જ મળશે. પરંતુ હાલ તો એવો દ્યાટ દ્યડાયો છે કે ઉપવાસ આંદોલન હાર્દિકના ગળામાં જ ફસાયું છે. ૧૪ દિવસ દરમિયાન સરકાર તરફથી હાર્દિક સાથે વાતચીતની કોઈ જ પહેલ કરવામાં આવી નથી. એટલું જ નહીં હાર્દિકના ૨૪ કલાકના અલ્ટિમેટમ પછી પણ સરકારે સામેથી વાતચીતની કોઈ તૈયારી બતાવી નથી. ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામત આપવા અંગે સરકાર પહેલાથી જ પોતાનો પક્ષ સ્પષ્ટ કરી ચુકી છે. આ તમામ વાતોને ધ્યાનમાં લેતા હવે એવી ચર્ચા જાગશે કે હાર્દિક પટેલે પોતાનું વજન ઉતારવા માટે જ ઉપવાસ આંદોલન કર્યું હતું કે શું? આવી વાતો પણ ચોકકસ વર્તુળો ચર્ચી રહ્યા છે.

(4:35 pm IST)