Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સરકારના 'ટ્રબલ શુટર' આઈપીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના વડા જે.કે. ભટ્ટની ઉપવાસી છાવણીની મુલાકાતથી જ ચર્ચાનો ચકડોળ

હાર્દિકની અટક કરી રામદેવજીવાળી કરી હોસ્પિટલમાં દાખલ કરાવવાની ચર્ચાની ભીતરમાં :હાર્દિકના ટેકેદારો આખી રાત મટકુ માર્યા વિના જાગ્યાઃ ઉપવાસી છાવણીથી સિવીલ હોસ્પિટલ સુધીના રૂટનું ક્રાઈમ બ્રાંચે નિરીક્ષણ કર્યુઃ ફરી જળ ત્યાગની હાર્દિકની જાહેરાત અને વધેલા સમર્થનથી ગાંધીનગર ચિંતિતઃ વિજયભાઈએ હાઈકમાન્ડનું માર્ગદર્શન માંગ્યાની રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચાઓઃ નરેશ પટેલની મુલાકાત પર જ આકરા પગલાનો મદાર ?

રાજકોટ, તા. ૭ :. રાજ્ય સરકાર અને તત્કાલીન મોદી સરકારના અને હવે કેન્દ્ર સરકારના ટ્રબલ શુટર આઈપીએસ તરીકે ગુજરાતમાં બે નામો મોખરે છે. જેમાના એક એટલે એટીએસના સિનીયર એસ.પી. હિમાંશુ શુકલ કે જેઓ કેન્દ્રમાં રો ખાતે ડેપ્યુટેશન પર જવાના છે તે અને બીજા આઈપીએસ એટલે કાયદેઆઝમ જેવા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર જે.કે. ભટ્ટ.

આવા ટ્રબલ શુટર આઈપીએસ તરીકે રાજ્યના પોલીસ તંત્રમાં તથા રાજકીય વર્તુળોમાં જાણીતા એવા જે.કે. ભટ્ટે ઉપવાસના ૧૩માં દિવસે ગઈકાલે ઓચિંતી હાર્દિકની ઉપવાસ છાવણીની મુલાકાત લીધી અને આ મુલાકાતે જ ચર્ચાનો ચિચોડો જોશભેર ફરવા લાગ્યો. તેની ભીતરમાં ટૂંક સમયમાં નિવૃત થનાર જે.કે. ભટ્ટના રાજકીય કનેકશન છે. જેમને નિવૃતિ બાદ પણ એક્ષ્ટેન્શન મળશે તેવી ચર્ચા છે. તેવા આઈપીએસે છાવણીની લીધેલી મુલાકાતને છાવણીના નિરીક્ષણ તરીકે જોવામાં આવે છે. ઘણા તો એવંુ પણ કહે છે કે, ક્રાઈમ બ્રાંચ દ્વારા ઉપવાસી છાવણીથી સિવીલ હોસ્પિટલના રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવેલ. એટલુ જ નહિ ઉપવાસી છાવણી નજીક આઈસીયુ જેવી સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે એ પણ સૂચક રીતે રાખવામાં આવી છે.

ટૂંકમાં કહીએ તો દિલ્હીમાં રામલીલા મેદાનમાં થયેલ લાઠીચાર્જ બાદ રામદેવજી મહારાજ દ્વારા આમરણાંત ઉપવાસની જાહેરાત બાદ તેઓની તબીયત લથડવા લાગતા તત્કાલીન કોંગી સરકારે તેમને ઉઠાવી લઈ હોસ્પિટલમાં દાખલ કરાવી તેમનો જીવ બચાવવા સારવાર શરૂ કરાવેલી. આ જ પદ્ધતિ મુજબ હાર્દિક સાથે થાય તો નવાઈ જેવુ નહિં તેવુ ખુદ પાસના આગેવાનો માની રહ્યા છે. આવા અનુમાનની ભીતરમાં મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા રામદેવજી મહારાજને જે રીતે રાતોરાત અટક કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં             આવેલ તેની યાદ તાજી કરતા તે વાતને હાર્દિકના સંદર્ભમાં આ રીતે જ જોવામાં આવી રહી છે.

હાર્દિક માટે જળ ત્યાગ એ જાનના ખતરા જેવુ છે. આમ છતા સરકારને ઢંઢોળવા માટે હાર્દિકે કરેલ જળ ત્યાગ બાદ સ્વામિનારાયણ સંતના સૂચનથી જળ ગ્રહણ કરનાર હાર્દિકે રાજ્ય સરકારની ઉદાસીનતા ધ્યાને લઈ ફરી જળ ત્યાગ કરી પોતાનો જીવ જોખમમા મુકતા પાટીદારો ગુજરાતભરમાંથી હાર્દિકના સમર્થનમાં વધુને વધુ પ્રમાણમાં બહાર આવી રહ્યા છે. બહેનો પણ થાળી અને વેલણના અવાજોથી રસ્તાઓ ગુંજવી રહી છે. આ બધુ રાજ્ય સરકાર માટે શિરદર્દ બન્યુ છે. એમ કહેવાય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ હાઈકમાન્ડના આવેદન બાદ હાલની પરિસ્થિતિ અંગે હાઈકમાન્ડનું માર્ગદર્શન પણ માંગ્યુ છે.

હાર્દિક પણ પોતાના ધ્યેયમાં મક્કમ હોય તેમ એક ટ્વીટ દ્વારા પોતે મૃત્યુ પામે તો પણ આ સરકારને કંઈ પડી નથી તેવુ નિવેદન કર્યા પછી હાર્દિકના સમર્થનમાં પાટીદારો મોટીને મોટી સંખ્યામાં જે રીતે બહાર આવી રહ્યા છે તે સંજોગોમાં હાર્દિકને ઉઠાવવાથી શું પ્રત્યાઘાત પડે ? તે માટે પણ આઈબી સિવાયના સ્ત્રોત મુખ્યમંત્રીએ ભૂતકાળમાં જે રીતે નરેન્દ્રભાઈ લગાડતા તે રીતે કામે લગાડયાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલે છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા પાટીદાર આગેવાનને ધાર્મિક સંસ્થાના આગેવાનો સાથેની મીટીંગમાં સામેલ કરાતા જ પાસના આગેવાનોમાં રોષ ભભુકી ઉઠતા તે બાબત ધ્યાને લઈ હવે છેલ્લા શસ્ત્ર તરીકે ખોડલધામ ટ્રસ્ટના સુપ્રીમો અને પાસના આગેવાનોને પણ માન્ય તેવા નરેશભાઈ પટેલની આજની મુલાકાત બાદ સરકારનું વલણ મહત્વનું બની રહેશે.

(4:21 pm IST)