Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

હાર્દિક અનશન : આજે કોંગી કાર્યકરો ઉપવાસ ઉપર રહેશે

કોંગ્રેસે મુખ્યમંત્રી રૂપાણીને આવેદનપત્ર આપ્યું : ધાનાણી અને અન્યો રૂપાણીને મળ્યા : ખેડૂતોની દેવામાફી, અલ્પેશ સહિતના આંદોલનકારીઓની મુકિતની ઉગ્ર માંગ

અમદાવાદ, તા.૬ : હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના મુદ્દે જોરદાર રાજનીતિ પણ શરૂ થઈ ચુકી છે. કોંગ્રેસ પાર્ટીએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવતીકાલે ૨૪ કલાકના ઉપવાસ આંદોલન પર કોંગ્રેસના નેતાઓ પણ ઉતરનાર છે. રાજ્યના તમામ જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસના કાર્યકરો ઉપવાસ આંદોલન કરશે અને વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસ તરફથી વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને અન્ય મુખ્યમંત્રીને મળ્યા હતા અને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ અને ખેડૂતાના પ્રશ્ને લડી લેવાના મૂડમાં આવી ગયેલી કોંગ્રેસે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને વિગતવાર આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. કોંગ્રેસે સ્પષ્ટ માંગ કરી હતી કે, રાજય સરકાર સંવેદનહીનતા અને અહંકાર છોડી હાર્દિક પટેલ સાથે સીધો સંવાદ કરે. આજે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ ઉપરાંત વિપક્ષના નેતા પરેશ ધાનાણી તથા ધારાસભ્યો સહિત કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળે ગુરુવારે સાંજે મુખ્યમંત્રી ઓફિસમાં વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી અને ધરતીપુત્ર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે તેની સાથે સીધો સંવાદ સાધવા, ખેડૂતોની દેવામાફી, અલ્પેશ કથીરીયા સહિતના આંદોલનકારીઓની મુકિત અને રાજયમાં લોકશાહી મૂલ્યોની જાળવણીની મુખ્ય માંગણી કરી હતી. સાથે સાથે કોંગ્રેસે રાજય સરકારને ૨૪ કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું કે, જો સરકાર આ સમગ્ર મામલે ૨૪ કલાકમાં નિર્ણય નહી લે તો આવતીકાલે સવારે ૧૧-૦૦ વાગ્યાથી શનિવારે ૧૧-૦૦ વાગ્યા સુધી રાજયના તમામ જિલ્લા-તાલુકાએ ઉપવાસ, વિરોધ અને દેખાવોના કાર્યક્રમ યોજવામાં આવશે. ખેડૂતપુત્ર હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન જ્યારે ૧૩મા દિવસમાં પ્રવેશ્યું છે ત્યારે કોંગ્રેસે હવે આ મામલે સીધો હસ્તક્ષેપ કર્યો છે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે આજે સીએમ રૂપાણીની મુલાકાત લઈને તેમને હવે હાર્દિકના ઉપવાસ આંદોલન મામલે હાર્દિક સાથે સંવાદ સાધવા તેમજ ખેડૂતોના હિતમાં પગલાં લેવા રજૂઆત કરી હતી. એટલું જ નહીં, આ મામલે રાજ્ય સરકાર ૨૪ કલાકમાં પગલાં નહીં લે તો શુક્રવારે સવારે ૧૧ વાગ્યાથી શનિવારે સવારે ૧૧ વાગ્યા સુધી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં કોંગ્રેસના કાર્યકરો ઉપવાસ આંદોલન કરશે અને વિરોધ વ્યક્ત કરશે. કોંગ્રેસ તરફથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સૂતરની આંટી આપી હતી અને બાદમાં કોંગી પ્રતિનિધિમંડળે તેમને વિગતવાર આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ખુદ મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે યોગ્ય કરવાની હૈયાધારણ આપી હતી અને જણાવ્યું હતું કે,૧૩મા દિવસમાં પ્રવેશેલા હાર્દિકના ઉપવાસ એ અત્યંત સંવેદનશીલ બાબત છે અને સરકાર પણ હાર્દિકના આરોગ્ય મામલે સંવેદનશીલ છે. જો કે, કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, સરકારે આ મામલે પોતે સંવેદનશીલ હોય તેવી કોઈ પ્રતિતિ કરાવી નથી. ઊલટાનું આ ઉપવાસ આંદોલન હવે દેશવ્યાપી મુદ્દો બની ચૂક્યો છે તેમ છતાં સરકારના પેટનું પાણી પણ હાલી રહ્યું નથી. મુખ્યમંત્રી રૂપાણી સાથેની વાતચીત બાદ પત્રકારોને સંબોધતા વરિષ્ઠ કોંગ્રેસી નેતા સિદ્ધાર્થ પટેલ અને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, સરકારે અલ્પેશ કથિરિયા સહિતના તમામ પાટીદારો સામે જે ખોટા કેસ કર્યા છે તેને તાત્કાલિક અસરથી પાછા ખેંચી લેવા જોઈએ. લોકશાહીમાં કોઈ વિરોધ કરે તો તેને દેશદ્રોહી ગણી લેવાની ભૂલ સરકાર ન કરે, નહીંતર તેને ભારે પડી જશે. કોંગ્રેસે મુખ્યમંત્રીને રાજ્યના ખેડૂતોના દેવાને તાત્કાલિક અસરથી માફ કરી દેવાની પણ ઉગ્ર રજૂઆત કરી હતી. કોંગ્રેસી નેતાઓએ રાજ્ય સરકારને જણાવ્યું હતું કે, મોંઘવારી અને પોષણક્ષમ ભાવો ન મળવાને કારણે રાજ્યનો ખેડૂત પીસાઈ રહ્યો છે. તેને પૂરતી વીજળી કે સિંચાઈનો લાભ પણ મળતો નથી અને સરકાર પોતાનો અહંકાર છોડે અને ખેડૂતોનું કલ્યાણ કરે. આ માટે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગઈકાલે પત્ર લખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ટાઈમ માંગ્યો હતો. આજે કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રતિનિધિઓ તેમને મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસ કંઈક નવાજૂની કરે તેવા એંધાણ લાગી રહ્યા હતા. સરકારે પણ સ્વર્ણિમ સંકુલમાં પત્રકારોના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દીધો હતો. હાર્દિકના ઉપવાસ મુદ્દે અને ખેડૂતોના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજૂઆત વેળા કોંગ્રેસ નવાજૂની કરવાના મૂડમાં હોવાથી પત્રકારોને સ્વર્ણિમ સંકુલમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદી દીધો હતો, જેને લઇ મીડિયાકર્મીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.

(8:09 pm IST)