Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સોશ્યલ મીડિયામાં કોર્ટ કાર્યવાહીના વીડિયો નહીં કરી શકાય વાયરલ:ગુજરાત હાઈકોર્ટે મહત્વનું નોટિફિકેશન

જો કોઈએ કોર્ટ સુનાવણીના વીડિયો વાયરલ કર્યા તો કોર્ટ લેશે પગલાં: પ્રસારણને અલગ અલગ કટકા કરી વાયરલ કરવામાં આવતા જેના પર હવે કોર્ટે રોક લગાવી

અમદાવાદ :ગુજરાત હાઈકોર્ટે લાઈવ પ્રસારણનો નિર્ણય આજથી એક વર્ષ પહેલા કર્યો હતો. જેના માટે ગુજરાત હાઇકોર્ટે સ્ટ્રિમિંગ રૂલ્સ પણ ઘડ્યા હતા. તત્કાલીન SCના જસ્ટિસ એન.વી.રમના હસ્તે ગત વર્ષની 17 જુલાઇએ કોર્ટ કાર્યવાહીનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. પણ સોશિયલ મીડિયામાં વાયરલ આ પ્રસારણને અલગ અલગ કટકા કરી વાયરલ કરવામાં આવતા હતા. જેના પર હવે કોર્ટે રોક લગાવી છે.

આજે ગુરુવારે  ગુજરાત હાઈકોર્ટે મહત્વનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા કોર્ટ સુનાવણીના વીડિયો પર કોર્ટે રોક  લગાવી છે. હવે સોશિયલ મીડિયાના ગમે તે પ્લેટફોર્મ પર કોર્ટની કાર્યવાહી વાયરલ નહીં કરી શકાય. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે અંગે કડક રૂખ દાખવતા આદેશ પારિત કર્યો છે. અને જો કોઈ કોર્ટના આદેશનો અનાદર કરશે તો વીડિયો વાયરલ કરનાર સામે પગલા લેવાનું પણ કોર્ટે આદેશમાં સૂચવ્યું છે.

મહત્વનું છે કે અપ્રત્યક્ષ સુનાવણીનું જીવંત પ્રસારણ કરનારી ગુજરાત હાઇકોર્ટ સમગ્ર દેશમાં પહેલી છે. કોરોનાકાળમાં લોકડાઉન બાદ  વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઑનલાઇન સુનાવણી કરવામાં આવતી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે ગુજરાત HCએ પણ યુ-ટ્યૂબ લાઈવ કરવાનો નિર્ણય કર્યો હતો. સૌ પ્રથમ 26 ઓક્ટોબર 2020થી યુ-ટ્યૂબ ચેનલના માધ્યમથી પ્રાયોગિક ધોરણે ઑનલાઇન સુનાવણી હાથ ધરાઇ હતી. જે બાદ 17 જુલાઇથી હાઈકોર્ટ ઈચ્છે તે કેસની સુનાવણી ઑનલાઇન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની નિયમાવલી પણ બનાવવામાં આવી હતી. પણ સુચારું રૂપે તેનું પાલન ન કરવામાં આવતા હવે ગુજરાત હાઈકોર્ટે કડક કાર્યવાહીનો નિર્દેશ કર્યો છે.

(10:11 pm IST)