Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

વડોદરા:સોમાતળાવ વિસ્તારમાં વેપારીને ગેરમાર્ગે દોરી ગઠિયો બે લાખ ભરેલ બેગ તફડાવી છનનન......

વડોદરા: સોમાતળાવ પાસે કારની વાઇપર બ્લેડ બદલાવવા ગયેલા વેપારીને એક ગઠિયો કારમાંથી ઓઇલ નીકળે છે તેમ કહી કારમાં રોકડ રૃા.૨ લાખ, લેપટોપ અને મોબાઇલ મૂકેલ બેગ ઉઠાવી ગયો હતો.

આ અંગેની વિગત એવી છે કે કપુરાઇગામમાં શેઠવાળા ફળિયામાં રહેતા સંદિપ ગોવિંદ રબારી પોતાની મારૃતિ બ્રિઝા કાર લઇને પોર ખાતે પોતાની ઓફિસે ગયો હતો. સાંજે તે ઘેર પરત ફરતો હતો ત્યારે કારમાં વાઇપર  બ્લેડ નાંખવાની હોવાથી સોમાતળાવ પાસે સ્વસ્તિક ઓટો પાર્ટસ દુકાનમાં જઇને બ્લેડ નંખાવી હતી. બાદમાં કારમાં બેસીને સંદિપ મોબાઇલ પર વાત કરતો  હતો ત્યારે એક યુવાને જણાવેલ કે તમારી કારમાંથી ઓઇલ નીકળે છે.

અજાણ્યા યુવાનની વાત માની સંદિપે કારમાંથી બહાર નીકળી તપાસ કરી હતી તેમજ બોનેટ ખોલી ચેક કરતા ઓઇલ નીકળતું ન હોવાનુ ંજણાયું હતું જો કે આ વખતે શંકા જતા તેને કારમાં તપાસ કરતા પાછળની સીટ પર મૂકેલી લેપટોપ બેગ ગાયબ હતી. આ બેગમાં રૃા.૨ લાખ રોકડા, લેપટોપ અને મોબાઇલ મળી કુલ રૃા.૨.૧૭ લાખની મત્તા હતી. જ્યારે અજાણ્યા શખ્સની શોધખોળ કરવા છતાં તેનો પત્તો લાગ્યો ન હતો. આ અંગે વેપારીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:44 pm IST)