Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

સુરતમાં જુગાર રમતા પૂર્વ કોર્પોરેટર ગિરીશ પટેલ સહિત ૧પ મોટા માથા ઝડપાયાઃ સરસ ફાર્મમાં ૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત

સુરતઃ સુરતના ઓલપાડ પોલીસ દ્વારા સરસ ફાર્મમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં માજી કોર્પોરેટર ગીરીશ પટેલ સહિત 15 જેટલા મોટા માથા જુગાર રમતા ઝડપાયા છે. પોલીસને બાતમી મળી હતી કે, સરસ ફાર્મમાં જુગાર રમવામાં આવી રહ્યો છે, તો તુરંત પોલીસે રેડ કરી કુલ રૂ. 24 લાખના મુદ્દામાલ સાથે 15 શકુનીઓને ઝડપી પાડ્યા છે.

ઓલપાડ પોલીસને સાંજે માહિતી મળી કે ઓલપાડના સરસ ફાર્મમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. પોલીસે રેડ પાડતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી, પરંતુ પોલીસે તમામ 15 લોકોને 3 લાખ રોકડા, તેમજ મોબાઈલ ફોન, અને 6 કાર સાથે કુલ રૂ. 24 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ શકુનીઓમાં માજી કોર્પોરેટર સહિત મોટા માથા સામેલ છે. જોકે, પોલીસે મોડી રાત્રે જ જુગારીઓને જામીન પર છોડી મુક્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ, આ વર્ષે સુરતમાં તાપી નદીના કિનારે ચાલતા જુગારધામ પર દરોડા પાડી પોલીસે 50 શકુનીઓની ધરપકડ કરી હતી, તો અમદાવાદના સોલા વિસ્તારમાંથી 46 લોકો, રખીયાલમાંથી 11 લોકો, અને અમદાવાદ બીજેપી કાર્યકર્તા દ્વારા ચલાવવામાં આવી રહેલ જુગારધામ પર દરોડો પાડી 22 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. એટલું જ નહીં અરવલ્લીના પંચકુહાડ ગામમાં પણ 15 લોકોની દરપકડ કરવામાં આવી હતી. જ્યારે પાટણમાં પણ એક સ્પોર્ટ ક્લબના આડે જુગારધામ ચલાવાતું હતું ત્યાં પણ રેડ પાણી શકુનીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

(6:32 pm IST)