Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

આંકલાવ પોલીસે ભેટાસીમાંથી મકાનમાં છાપો મારી 1.42 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

આંકલાવ: પોલીસે ગઈકાલે ભેટાસી બા ભાગમાં આવેલા એક મકાનમાં છાપો મારીને ૧.૪૨ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જો કે બુટલેગર અને તેની પત્ની ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. આ અંગે આંકલાવ પોલીસે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે આંકલાવ પોલીસને હકીકત મળી હતી કે, ભેટાસી બા ભાગમાં રહેતો ભાવેશભાઈ બચુભાઈ માળી વિદેશી દારૂનો ધંધો કરે છે અને સીએનજી રીક્ષા મારફતે મોટાપાયે વિદેશી દારૂ લાવીને પોતાના રહેણાંક મકાનમાં ઉતારી રહ્યો છે જેથી પોલીસની ટીમ ત્રાટકી હતી પોલીસને જોઈને ભાવેશ તેની પત્ની નીલાબેન, માનસંગ બચુભાઈ માળી તથા તેની પત્ની પાર્વતીબેન ફરાર થઈ ગયા હતા. પોલીસે સીએનજી રીક્ષા તેમજ મકાનની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ ૧૭૬૧ બોટલો મળી આવી હતી જેની કિંમત ૧,૪૨,૭૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. 

પોલીસે ૭૦ હજારની સીએનજી રીક્ષા સાથે કુલ ૨.૧૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર થઈ ગયેલા ચારેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:17 pm IST)