Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ભાજપે કાળા નાણાને બીટકોઇનમાં ફેરવ્યુ : ગુજરાતમાં ૫૦૦૦ કરોડનો ગોટાળો : શકિતસિંહ ગોહિલ

નવી દિલ્હી તા. ૬ : ભાજપની કેન્દ્ર સરકારે જાહેર કરેલી નોટબંધી ગુજરાત ભાજપના નેતાઓ માટે ૫,૦૦૦ કરોડ રૂપિયાનો જેકપોટ સાબિત થયો છે. પુરાવા અને તથ્યોના આધારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહિલે નવી દિલ્હીમાં મીડિયા સમક્ષ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં બીટકોઈનનું આ સૌથી મોટું કૌભાંડ છે અને તેમાં ભાજપના નેતાઓ સંડોવાયેલા છે.

ગુજરાતમાં ૫,૦૦૦ કરોડથી વધુનું બીટકોઈન સ્કેમ સામે આવ્યું છે. ભાજપે બ્લેકમની બીટકોઈનમાં પરિવર્તિત કર્યું છે. ભાજપ માટે બીટકોઈન હવાલા લેણ-દેણનો મંચ બની ગયો છે.

AICCના સ્પોકસપર્સન શકિતસિંહે મિડીયાને કહ્યું હતું કે ભાજપના કેટલાક નેતાઓએ બ્લેકમની વ્હાઇટ કર્યા છે. તેમણે નોટબંધી પહેલાં અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કમાં જમા થયેલા ૭૪૫.૫૮ કરોડ રૂપિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. બીટકોઈન કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનું નામ પણ ખૂલ્યું છે.

ગુજરાતની CIDએ બીટકોઈનનું ૫,૦૦૦ કરોડ રૂપિયાનું બીટકોઈન કૌભાંડ પ્રકાશમાં લાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેની તપાસમાં નલિન કોટડિયા પણ સહકાર આપતા નથી અને તેઓ લાપત્તા થયેલા છે. કેટલાક પોલીસ અધિકારીઓ પણ આ બીટકોઈન કેસમાં સંડોવાયેલા છે તેવું CIDએ શોધ્યું છે.

(3:36 pm IST)