Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

'આયારામ ગયારામ'માં રસ નહિ, કોંગ્રેસમાં જામી ગયેલા નેતાઓ માટે ભાજપમાં 'લાલ' જાજમ

ટીમ રૂપાણી હવે નવા ઘાની તૈયારીમાં: કોંગ્રેસ તુટી રહી છે તેવું વાતાવરણ બનાવવાનો પ્રયાસ

રાજકોટ તા.૬: કોળી સમાજના અગ્રણી અને કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય તથા કાર્યકારી પ્રદેશ પ્રમુખ કુંવરજીભાઇ બાવળિયાને ખેડવીને  ભાજપે રાજકીય સન્નાટો ફેલાવી દીધો છે.

હવે ટીમ વિજય રૂપાણીએ નવા ઓપેરેશન તરફ નજર દોડાવી છે. આદિવાસી ક્ષેત્રના કોંગ્રેસના બે જુના જોગીઓ ઉતર ગુજરાતના એક બક્ષીપંચ અગ્રણી તથા સોૈરાષ્ટ્રના એક ધારાસભ્યને ખેંચવા પ્રયાસો શરૂ થયા છે. કોંગ્રેસના નેતાઓની નારાજગીનો લાભ લઇ ભાજપ તેને રાજી કરવા માંગે છે. અને રાજી થવા માંગે છે.

સ્વાર્થ માટે વારંવાર પક્ષપલ્ટો કરવાની આદત ધરાવતા રાજકીય આગેવાનો કરતા ભાજપને કોંગ્રેસના સ્થાપિત નેતાઓમાં વધુ રસ છે. વર્ષોથી કોંગ્રેસને સમર્પિત હોય અને વ્યાપક જનાધાર ધરાવતા હોય તેવા નેતાને પક્ષ પલ્ટો કરાવવાથી કોંગ્રેસ તુટી રહી છે. તેવુ વાતાવરણ ઝડપથી બની શકે તેથી ભાજપે આયારામ-ગયારામ કરતા કોંગ્રેસમાં જામી ગયેલા નેતાઓને ભાજપ સાથે જોડવામાં વધુ રસ દર્શાવ્યો છે. મોટા નેતાની સાથે તેના ટેકેદારોનું મોટુ ટોળુ આવે તે સ્વાભાવિક છે. કોંગ્રેસ પાસે કાર્યકરોની અછત કાયમ રહે  જ છે પરંતુ હવે નેતૃત્વ પણ ભાંગી રહયું છે. તેવી છાપ પાડવાનો ભાજપનો પ્રયાસ છે. ભાજપમાં પ્રવેશના બદલામાં જે તે નેતાને તેની ક્ષમતા અને ભાજપની આવશ્યકતા મુજબ રાજકીય 'વળતર' આપવાની તૈયારી છે. મંત્રી મંડળમાં હજુ પાંચેક સભ્યોને ઉમેરો થઇ શકે તેમ છે. ટીમ રૂપાણીએ નવા ઓપરેશનની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસને કુંવરજીભાઇની કળ વળે તે પૂર્વે જ ભાજપ બીજો ઘા કરી દયે તો નવાઇ નહિ.

(3:34 pm IST)