Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

રાજયમાં મેઘરાજાના વિરામ વચ્ચે ૭૬ તાલુકાઓમાં ૨ાા ઈંચ સુધીનો વરસાદ

ભારે પવન અને વરસાદની આગાહી યથાવત : વરસાદ ખેંચાતા ગયા વર્ષના પ્રમાણમાં ખરીફ વાવેતર થયુ ઓછું

વાપી, તા.૬ : રાજયમાં મેઘરાજાના વિરામ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં મેઘરાજા માત્ર ડોળ કરી કાં લલચાવે છે અને કાં ગભરાવે છે.

ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે જાણે વરસાદ ખેંચાયો હોય તેમ જણાય છે. મળતી માહિતી અનુસાર ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન ૨૫.૮૬ લાખ હેકટરમાં વાવેતર થયુ હતું.

જેમાં ધાન્ય પાકોનું ૦.૫૮%, કઠોળ પાકોનું ૫.૫૪%, તેલીબીયા પાકોનું ૬.૮૫% અને અન્ય પાકોનું ૧૪% જેટલુ વાવેતર થયુ હતું. એમાં પણ ખાસ કરીને મગફળીનું ૧.૪૯ લાખ હેકટરમાં અને કપાસનું ૪.૯૨ લાખ હેકટરમાં વાવેતર થયુ હતું.

જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં રાજયમાં ૮.૬૩ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયુ છે. જેની સામે શાકભાજીનું વાવેતર પણ પ્રમાણમાં ઓછું થયું છે.

આ વર્ષે ચોમાસાની આ સીઝનમાં વરસાદની અત્યાર સુધીની આ સ્થિતિ અનુસાર ગયા વર્ષના પ્રમાણમાં વરસાદ ખેંચાતા હાલમાં વાવેતર ઘટ્યુ હોય તેમ જણાય છે.

હવામાનની તાજી સ્થિતિ જોઈએ તો ગુજરાત પર સક્રિય થયેલી વરસાદની અપરએર સાયકલોનીક સરકયુલેશનની સિસ્ટમ હાલમાં નબળી પડતા વરસાદની આગાહી યથાવત રાખતા તંત્ર સતેજ તો છે જ અને એ મુજબ દ. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કાં તો કાળા ડિબાંગ વાદળોની ફોજ છે તો કયાંક ઝરમર વરસાદ ચાલુ છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે ૮ વાગ્યે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૨૨ જીલ્લાના માત્ર ૭૬ તાલુકાઓમાં ઝરમરથી ૬૨ મીમી સુધીનો જ વરસાદ નોંધાયો છે.

આવો આપણે રાજયના વિવિધ વિસ્તારમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો સૌપ્રથમ દ. ગુજરાત પંથકમાં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં જંબુસર ૧૧ મીમી, નર્મદા જીલ્લાના તાલુકાઓમાં સાગબારા ૧૮ મીમી, તાપી જીલ્લાના તાલુકાઓમાં વાલોળ ૧૦ મીમી, સુરત સીટી નીલ વરસાદ નોંધાયેલ છે.

નવસારી જીલ્લાના તાલુકાઓમાં નવસારી ૧૭ મીમી અને વાસંદા ૧૨ મીમી, તો વલસાડ જીલ્લાના તાલુકાઓમાં કપરાડા ૧૬ મીમી અને પારડી ૬૨ મીમી, તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહવા ૩૫ મીમી અને વધઈ ૩૧ મીમી વરસાદ નોંધાયેલ છે.

હવે જો આપણે દ. ગુજરાત વિસ્તાર જોઈએ તો અહિં પાટણ જીલ્લાના તાલુકાઓમાં રાધનપુર ૧૧ મીમી, મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં ખેરાલુ ૧૫ મીમી, સતલાસણ ૧૭ મીમી અને વડનગર ૨૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં હિંમતનગર ૧૩ મીમી, ઈડર ૪૫ મીમી અને વિજયનગર ૩૮ મીમી તો અરવલ્લી જીલ્લાના તાલુકાઓમાં ભીલોડા ૨૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં જોઈએ તો અહિં ખેડા જીલ્લાના તાલુકાઓમાં કપડવંજ ૧૩ મીમી વરસાદ નોંધાયેલ છે.

આણંદ જીલ્લાના તાલુકાઓમાં આંકલાવ ૧૫ મીમી, બોરસદ ૨૬ મીમી, ખંભાત ૪૦ મીમી, સોજીત્રા અને તારાપુર ૧૧-૧૧ મીમી તો પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં ઘોઘમ્બા ૧૦ મીમી અને હાલોલ ૨૧ મીમી તો વડોદરા જીલ્લાના તાલુકાઓમાં સાવલી ૯ મીમી વરસાદ નોંધાયેલ છે.

આમ રાજયમાં એકંદરે મેઘરાજાનું જોર ઘટ્યાનું જણાય છે. આ લખાઈ રહ્યુ છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે દ. ગુજરાતના કેટલાક વિસ્તારમાં મેઘાના ડોળ વચ્ચે ઝરમર વરસાદ ચાલુ છે. (૩૭.૭)

 

(11:52 am IST)