Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

લાલદરવાજા ટર્મિનસનું ૪.૪૭ કરોડના ખર્ચે નવીનીકરણ થશે

લાલદરવાજાથી દૈનિક અનેક બસનું ઓપરેટીંગઃ પ્લેટફોર્મ પાછળ ૧.૭૯ કરોડનો ખર્ચ થશે : શૂન્ય નંબરના પ્લેટફોર્મના સ્થાને ૮૯.૩૪ લાખના ખર્ચથી નવું બિલ્ડીંગ

અમદાવાદ,તા. ૫: એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા સંસ્થાના સૌથી મહત્ત્વના અને દૈનિક ૨.૨૫ લાખ ઉતારુઓની અવરજવરથી ધમધમતા લાલ દરવાજા ટર્મિનસના નવીનીકરણનો રૂ. ૪.૪૭ કરોડનાં પ્રોજેક્ટનું ગઈકાલે ભૂમિપૂજન કરાયું હતું. આશરે સાડા ચાર કરોડ રૂપિયાના ખર્ચે લાલદરવાજા ટર્મિનસનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે. બે વર્ષમાં આ સમગ્ર પ્રોજેકટને પૂર્ણ કરવાની ગણતરી છે. જેને લઇ અમ્યુકો અને એએમટીએસ સત્તાવાળાઓએ તૈયારીઓ આરંભી દીધી છે. આજે પણ શહેરીજનો માટે એએમટીએસ બસમાં અવરજવર કરવા અને બસમાં બેસવા કે ઉતરવા માટે લાલદરવાજા ટર્મિનસ એક મહત્વનું ટર્મિનસ-મુખ્ય ડેપો છે. જેથી સત્તાવાળાઓએ એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે, લાલ દરવાજા ટર્મિનસને ધરમૂળથી નવાં રંગ રૂપ આપવાની કામગીરીથી ઉતારુઓને બીજા સ્થળે બસ પકડવા નહીં જવું પડે. સત્તાવાળાઓનાં આયોજનથી આ પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન પણ ઉતારુઓને અહીંથી જ બસ મળશે. તંત્ર દ્વારા જે તે ડેપો અને ટર્મિનસ ખાતે આરસીસીના રોડ બનાવવાની કામગીરીને અપાયેલા પ્રાધાન્ય મુજબ નારણપુરા અને વસ્ત્રાલ ખાતે આરસીસીના રોડથી ઉતારુઓને મોટી રાહત અપાઈ છે તેમ જણાવતાં એએમટીએસના ચેરમેન ચંદ્રપ્રકાશ દવે જણાવ્યું હતું કે, લાલ દરવાજા ટર્મિનસના નવીનીકરણનો પ્રારંભ પણ આરસીસી રોડ બનાવવાની કામગીરીથી કરાશે. તંત્ર દ્વારા પહેલાં રૂ. ૧.૭૯ કરોડના ખર્ચે આરસીસીના રોડનું નિર્માણ કરાશે. ત્યારબાદ ટર્મિનસના કુલ સાત પ્લેટફોર્મનું એક પછી એક નવીનીકરણ કરાશે. પહેલાં લાલ દરવાજા ટર્મિનસના સૌથી છેલ્લા પ્લેટફોર્મ નંબર છને જમીનદોસ્ત કરીને ત્યાં નયનરમ્ય પ્લેટફોર્મ ઊભું કરાશે. ત્યાર પછી ક્રમશઃ અન્ય પ્લેટફોર્મના નવીનીકરણનું કામકાજ હાથ પર લેવાશે. નવા પ્લેટફોર્મનાં નિર્માણ પાછળ રૂ. ૧.૭૯ કરોડ ખર્ચાશે. જ્યારે પ્લેટફોર્મ નંબર શૂન્યના સ્થાને રૂ. ૮૯.૩૪ લાખના ખર્ચે નવું ઓફિસ બિલ્ડિંગ આકાર પામશે. જો કે, તે અગાઉ પુરાતત્વવિભાગની મંજૂરી લેવાશેતેમ પણ એએમટીએસના ચેરમેન ચંદ્રપ્રકાશ દવેએ ઉમેર્યું હતું. આ પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરા, વીઆઈપી વેઈટિંગ રૂમ, ર્રનિંગ સ્ટાફ માટે રેસ્ટ રૂમ, ઓનલાઈન બુકિંગ સિસ્ટમ, ચેકપોસ્ટ, વર્કશોપ, લોકર રૂમ સહિતની સુવિધા પૂરી પાડવાની કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે લાલ દરવાજાટર્મિનસથી દૈનિક કુલ ૪૯ઓપરેટિંગ રૂટનું સંચાલન થતુંહોઈ કુલ ૧૮૮ બસ ઉપડે છે જ્યારે ૩૩ ફૂટની બસ આ ટર્મિનસમાંથી અવરજવર થાય છે. તેથી નાગરિકો માટે એએમટીએસ બસ સેવા માટે બહુ મહત્વનું ટર્મિનસ મનાય છે.

(10:31 pm IST)
  • આરટીઓનો મહત્વનો નિર્ણય : હવે અરજદારે એપોઈટમેન્ટ લેવી નહિં પડે : માત્ર નવા લાયસન્સ માટે એપોઈટમેન્ટ લેવાની રહેશેઃ અન્ય કોઈપણ કામગીરી માટે એપોઈટમેન્ટની જરૂર નથી : વડી કચેરીએ જાહેર કર્યો પરિપત્ર : આગામી દિવસોમાં અમલી બનાવાશે access_time 5:58 pm IST

  • સાબરકાંઠા : ગાંધીનગર ACB ના સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં દરોડો: બે અધિકારી લાંચ લેતા : ઝડપાયા: 1 લાખ 12 હજારની લાંચ લેતા બે અધિકારી ઝડપાયા: કોન્ટ્રાકટના બીલો મંજુર કરવા માંગી હતી લાંચ access_time 7:14 pm IST

  • વડોદરા:ભયંકર રોગચાળો વકર્યો: નવાપુર, મદન ઝાપા અને કહાર મહોલ્લા, ખારવા વિસ્તામા રોગચાળો: 15 દિવસમા 300 લોકો ઝાડા ઉલ્ટીના રોગમા સપડાયા: પાણીના કારણે રોગચાળો ફેલાયો હોવાનુ ખાનગી તબિબનુ અનુમાન access_time 1:35 pm IST