Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

લઠ્ઠાકાંડ : FSL અહેવાલમાં મિથાઇલ આલ્કોહોલ ખુલાસો

સોલાના લઠ્ઠાકાંડમાં બે યુવકની હાલત હજુ ગંભીર : આલ્કોહોલનું પ્રમાણ મંજૂરી પ્રમાણ કરતાં ઓછુ હોવાથી પોલીસ દ્વારા એફએસએલ પાસે વિસ્તૃત રિપોર્ટ મંગાવાયો

અમદાવાદ,તા. ૫ : શહેરની સોલા સિવિલ હોસ્પિટલની પાછળ લઠ્ઠાકાંડની આશંકાના પગલે સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરવામાં આવી હતી. શહેરભરમાં કરાયેલી રેડ દરમિયાન પોલીસે ૧૧૪ કેસ કર્યા હતા, જોકે દારૂ માત્ર ૪.૩૧ લાખનો પકડાયો છે, જેમાં મોટા ભાગનો દેશી દારૂ છે. બીજીબાજુ, કથિત લઠ્ઠાકાંડમાં ચાર જણાં પૈકીના બે યુવકોની હાલત ગંભીર હોવાનું મનાઇ રહ્યું છે. બીજીબાજુ, પોલીસે એફએસએલ તરફથી મળેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, દારૂના પરીક્ષણ થયેલા નમૂનામાં મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ સામે આવ્યું હતું. જેમાં એક યુવકના નમૂનામાં ૦.૦૦૪ અને બીજાના કિસ્સામાં ૦.૦૦૬ જેટલું મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ જણાયું હતું. જો કે, તે મંજૂરીપાત્ર પ્રમાણ કરતાં ઓછુ હોવાથી હવે પોલીસે એફએસએલ પાસે આ સમગ્ર મામલે એકદમ ડિટેઇલ્ડ પરીક્ષણનો અહેવાલ માંગ્યો છે. કથિત લઠ્ઠાકાંડમાં સોલા પોલીસે હાલમાં અસારવા સિવિલમાં દાખલ ચાર યુવકો સામે દારૂ પીધા અંગેનો ગુનો દાખલ કર્યો છે. જે બુટલેગર પાસેથી દારૂ લઇ યુવકોએ પીધો હતો તેની સામે સોલા પોલીસે એક પણ કેસ કર્યો નથી. સોલા સિવિલ હોસ્પિટલની પાછળ આવેલી ઓરડીમાં ચાર યુવકોને ગઈકાલે દારૂ પીધા બાદ આંખમાં અંધારાં અને ચક્કર આવ્યા હતા, જેના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચારમાંથી બે યુવકોની હાલત ગંભીર થતાં તેમને સારવાર માટે સોલાથી અસારવા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. લઠ્ઠાકાંડની આશંકાના પગલે ક્રાઈમ બ્રાન્ચ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ કમિશનર એ. કે. સિંઘે શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ ઉપર દરોડાની કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. પોલીસ દરોડા પાડે તે પહેલાં બુટલેગરો સુધી આ માહિતી પહોંચી ગઈ હતી અને બુટલેગરો માલ સગેવગે કરી ફરાર થઇ ગયા હતા. પશ્ચિમ વિસ્તારના ર૬ પોલીસ સ્ટેશનમાં માત્ર ૨૬ કેસ દારૂના કરવામાં આવ્યા હતા. દરમ્યાન સેક્ટર-૨ના જોઇન્ટ કમિશનર અશોક યાદવે જણાવ્યું હતુ કે શહેરભરની પોલીસે દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી સંખ્યાબંધ કેસ કર્યા છે, જેમાં પૂર્વનાં તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસે ૮૮ કેસ કર્યા છે, જ્યારે પશ્ચિમનાં તમામ પોલીસ સ્ટેશનમાં ૨૬ કેસ કર્યા છે. શહેરમાં ચાલતા અંદાજિત ૩૦૦ કરતાં વધુ દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં પશ્ચિમ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી ૨૬ કેસ કર્યા હતા, જેમાંથી ૨૧ કેસ દેશી દારૂના હતા, જ્યારે પાંચ કેસ વિદેશી દારૂના હતા. જ્યારે પૂર્વ વિસ્તારમાં પોલીસે ૮૮ કેસ કર્યા હતા, જેમાં ૭૮ કેસ દેશી દારૂના હતા તેમજ ૧૦ કેસ વિદેશી દારૂના હતા. પોલીસે શહેરમાં કુલ ૪,૩૧,૦૦૦નો દારૂ કબજે કર્યો છે. સેક્ટર-૨માં આવતાં તમામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ તેમના વિસ્તારમાં આવતી અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા, જેમાં સૌથી વધુ કેસ સરદારનગર, વટવા, નિકોલ, ગોમતીપુર, મેઘાણીનગર, નરોડા જેવા વિસ્તારમાં કર્યા છે. ડીસીપી, એસીપી, પોલીસ ઈન્સ્પેક્ટર સહિતની ટીમે દરોડા પાડી કેસ કર્યા હતા. દરોડાની આ કાર્યવાહી વચ્ચે આજે એફએસએલનો રિપોર્ટ આવતાં તેમાં મિથાઇલ આલ્કોહાલનું એકદમ સામાન્ય પ્રમાણ જોવા મળ્યું હતું. જેથી પોલીસે હવે એફએસએલ સત્તાધીશો પાસેથી આ સમગ્ર મામલે એકદમ ડિટેઇલ્ડ પરીક્ષણ અહેવાલ માંગ્યો છે કે, જેથી સમગ્ર મામલો વધુ સ્પષ્ટ થઇ શકે.

 

(8:14 pm IST)