Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

આવતા વર્ષથી દરિયાઇ માર્ગે હજ્જ યાત્રા

વિમાન માર્ગે જવાનું બંધ થશેઃ પ૦% યાત્રા સસ્તી થઇ જશેઃ મુંબઇ અથવા કોચીનથી : ત્રણ દિ'માં જિદદાહ પહોંચશે સ્ટીમરઃ આ વર્ષે ગુજરાતથી ૬૯૦૦ યાત્રિકો હજ્જ પઢવા જશે

અમદાવાદ તા. ૬ :.. હજ્જ પઢવાની ઇચ્છા ધરાવનારાઓ ર૦૧૯ ના વર્ષથી દરિયાઇ માર્ગે હજ્જ યાત્રા કરશે અને વિમાન માર્ગે હજ્જ યાત્રાએ જવાની પરંપરા બંધ થશે જે માટે દરિયાઇ સફર ૩ દિ'ની રહેશે. પણ હજ્જ યાત્રાએ જવાનો ખર્ચ અડધો થઇ જશે. કેન્દ્ર સરકાર દ્વારા અપાતી હજ્જ સબસીડી બંધ કરાયા પછી હજ્જ યાત્રા મોંઘી થઇ જવાની સંભાવનાઓ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે અને દરિયાઇ માર્ગ હજ્જ યાત્રાએ જનારા માટે અરજી પત્રકો પણ તૈયાર થઇ રહ્યા છે.

ગુજરાત રાજય હજ્જ સમિતિના અધ્યક્ષ પ્રો. મુહંમદઅલી કાદરીએ જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટના ફેંસલા પછી ઘણી ચર્ચાઓ બાદ આ નિર્ણય લેવાયો હતો અને દેશભરના તમામ પ્રાંતોની રાજય હજ્જ સમિતિઓના અધ્યક્ષોની મળેલી બેઠકમાં પોતાના દ્વારા ઉપરોકત પ્રસ્તાવ રખાયો હતો જેને તમામ અધ્યક્ષોએ જ નહીં પણ કેન્દ્ર સરકારે પણ માન્ય કરી લીધો છે જેના લીધે મુંબઇ ત્થા કોચિન બંદરોથી જહાજો રવાના થશે અને ત્રણ દિ' બાદ જિદદાહ પહોંચી જશે.

પ્રો. કાદરીએ જણાવ્યું કે, હાલમાં ગુજરાતથી પ્રત્યેક હજ્જ યાત્રિકને ૪૦ દિ' માટે બે થી સવા બે લાખનો ખર્ચ થાય છે જો પાણીના જહાજ દ્વારા આ સફર થાય તો એક થી સવા લાખમાં આ યાત્રા પુરી કરી શકાય છે. કેમ કે વિમાનમાં ૩૦૦ યાત્રિકો જાય છે અને સ્ટીમરમાં પ થી ૭ હજાર યાત્રિકોને મોકલી શકાય છે.

આ વર્ષે ૧ લી ઓગસ્ટથી અમદાવાદથી જિદદાહ માટે સાઉદી એર લાઇન્સની સીધી ઉડાનની વ્યવસ્થા કરાઇ છે. આ વર્ષે હજ્જ સમિતિને ૪૪ હજાર અરજીઓ મળી હતી. જેમાંથી ૬૯૦૦ લોકોને હજ્જ યાત્રાની તક સાંપડી છે. ૧ થી ૧૬ ઓગસ્ટ સુધી દરેક ફલાઇટમાં ૩૦૦ યાત્રિકો જશે ૪૦ દિ' પછી સપ્ટેમ્બરથી પરત આવવાનું શરૂ થશે. ગત વર્ષે પ૭ હજાર અરજીમાંથી ૧૧ હજાર લોકો હજ્જ પઢવા ગયા હતાં.

સાઉદી અરેબીયા સરકાર દ્વારા આ વર્ષે જેણે પહેલાં હજ્જ કે ઉમરાહ/ (મીની હજ્જ) કરી હોય તેવા યાત્રિકો પાસેથી બે હજાર રિયાલ (રૂ. ૩૬૦૦૦) વધારાનો કર વસુલવાનો શરૂ કરેલ છે જેનો હજ્જ સમિતિએ વિરોધ કરી સાઉદી સરકાર સમક્ષ વિરોધ નોંધાવવા કેન્દ્ર સરકારને અપીલ કરી હોવાનું પણ અંતમાં પ્રો. કાદરીએ જણાવ્યું છે. (પ-૧૩)

(11:40 am IST)