Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

બાવળિયાને કલાકોમાં મંત્રી બનાવી દેવાતા ભાજપના 'રહી ગયેલા' ધારાસભ્યો નારાજ

માત્ર ધારાસભ્યો જ નહી પાછલા પાંચ-છ સત્રથી પાર્ટી માટે કામ કરી રહેલા નેતાઓ પણ વિજય રૂપાણી સરકારના આ મહત્વના વિભાગો નવા આવેલા નેતાને આપી દેતા નિરાશ

નવી દિલ્હી તા. ૫ : કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા સીનિયર નેતા કુંવરજી બાવળિયાને પાણી-પુરવઠો, પશુપાલન અને ગ્રામ્ય વિકાસ ખાતું સોંપવામાં આવતા મંત્રીપદની રાહ જોઈને બેઠેલા ભાજપના ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી છે. માત્ર ધારાસભ્યો જ નહીં, પાછલા પાંચ-છ સત્રથી પાર્ટી માટે કામ કરી રહેલા નેતાઓ પણ વિજય રૂપાણી સરકારના આ મહત્વના વિભાગો નવા આવેલા નેતાને આપી દેતા નિરાશ છે.

જો કે એક પણ ધારાસભ્યએ જાહેરમાં પાર્ટીના આ નિર્ણય વિરુદ્ઘ નિવેદન નથી આપ્યું, પરંતુ બની શકે કે આગામી લોકસભા ઈલેકશનમાં તે પોતાનું બેસ્ટ પર્ફોમન્સ ન આપે. સૌરાષ્ટ્રમાં સતત ૩ ચૂંટણી જીતી રહેલા ભાજપના ધારાસભ્ય કહે છે કે, અનેક વર્ષોથી પાર્ટી માટે કામ કરી રહેલા પાર્ટીના કાર્યકર્તાઓ અને ધારાસભ્યો આ નિર્ણયથી આશ્ચર્યચકિત છે અને બાવળિયાને એકાએક કેબિનેટ મંત્રી બનાવી દેતા નિરાશ પણ છે. પાર્ટી દ્વારા કરવામાં આવેલા આવા સાવકા વ્યવહારથી અનેક લોકો રોષે ભરાયા છે.

વડોદરાના એક ધારાસભ્ય કહે છે કે, પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ઘણી સીટો ગુમાવી છે, જયારે અહીં ભાજપની વોટબેન્ક જળવાઈ રહી છે, છતાં અમારા વિસ્તારને મંત્રીપદ માટે ઈગ્નોર કરવામાં આવે છે. મુખ્યમંત્રી અને પાર્ટીએ રાજયના દરેક ક્ષેત્રને બેલેન્સ કરવાની જરુરી છે. આનાથી કાર્યકર્તાઓ અને ધારાસભ્યોની કામ કરવાની ધગશને અસર થાય છે.

માત્ર ભાજપના નેતાઓ જ નહીં, ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓ પણ આ નિર્ણયથી નિરાશ છે. કુંવરજી બાવળિયા પહેલા ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓ બાવળિયાને મળેલા આ લાભથી નારાજ છે. ૨૦૧૭માં ભાજપની ટીકીટથી મધ્ય ગુજરાતમાં સીટ જીતેલા સી.કે.રાઉલજી એ પણ આ બાબતે પોતાની નારાજગી વ્યકત કરી છે.(૨૧.૧૫)

(11:39 am IST)