Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

બનાસકાંઠા જીલ્લાના મેરા ગામના દિવ્‍યાંગ જગદીશ ઠાકોરની આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે ઝળહળતી સફળતાઃ રમત ગમત ક્ષેત્રમાં જાજેરી સિદ્ધિઓ

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના મેરા ગામે ખેત મજુરી કરતા ઠાકોર વસરામજી ચમનજીના ઘરે તા.૦૧/૦૬/૧૯૯૨ના રોજ એક બાળકનો જન્મ થયો. બાળકનો જન્મ થવાથી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ બાળકનું નામ જગદીશ રાખવામાં આવ્યું હતું. પણ થોડાક મહિના બાદ આ પરિવાર પર જાણે દુ:ખોનું આભ તૂટી પડ્યું, જયારે એમને જાણ થઇ કે તેમના ઘરે જન્મ લેનાર પુત્ર જમણા પગે દિવ્યાંગ છે અને બિલકુલ ચાલી શકવા સક્ષમ નથી. પણ પરિવારે ધિરજ સાથે કામ લઈ બાળકની સારવાર ચાલુ કરાવી, ઘણી બધી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી પણ કોઈ ચોક્કસ પરિણામ મળ્યું નહીં પરંતું દિકરાની ખુશી માટે હાર માને તે મા નહીં.

બાળક જગદીશની માતા પોતાના વ્હાલસોયા દિકરાના પગે દરરોજ કલાકો સુધી માલિશ કરતી, જેના પરિણામે બાળક જગદીશ થોડું થોડું ચાલતા થયો. બાળપણનું પ્રાથમિક શિક્ષણ મેરા પ્રાથમિક શાળામાં લીધુ ત્યારબાદ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે લીધુ. તેઓ જયારે કોલજમાં હતા ત્યારે તેઓ એક વાર નેશનલ ક્રિકેટ રમવા માટે ગયા, ત્યાં તેમની સાથે અમદાવાદ ’’ધી સોસાયટી ફોર ફીજીકલી હેન્ડીકેપ્ડ- અમદાવાદ’’ના ટીમ મેનેજરે તેમની ક્રિકેટમાં ઝડપ જોઇને તેમને એથ્લેટીક્સ રમતમાં દોડમાં ભાગ લેવા જણાવ્યું હતું.

રાજય સરકાર દ્વારા ૨૦૧૦માં ખેલ- મહાકુંભની શરૂઆત કરવામાં આવી જેમાં તેઓએ રાજ્ય કક્ષાએ ભાગ લેતા, ૧૦૦ મીટર દોડ- ગોલ્ડ મેડલ, ૨૦૦ મીટર દોડ સિલ્વર મેડલ અને લાંબી કુદ- ગોલ્ડ મેડલ મેળવ્યા હતાં. રાજ્ય કક્ષાએ ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ તેમના જુસ્સામાં વધારો થયો, હવે તેમણે આગળ તૈયારી કરવા માટે એક કોચની જરૂર હતી, એવા સમયે તેમને માહિતી મળી કે દિયોદર ખાતે વી. કે. વાઘેલા હાઈસ્કુલમાં કોચિંગ ચાલે છે, ત્યાં જઈને તેઓએ કોચ ગોરધનભાઈ ભાટીને બધી વાત કરી, ભાટીએ તેમને કોચિંગ અને તમામ પ્રકારની મદદ કરવાની તૈયારી દર્શાવી.

તેઓએ ત્યાં ૧ વર્ષની તાલીમ લીધી ત્યારબાદ ઉત્તરપ્રદેશ ખાતે ખાતે આયોજિત ૧૫મી સિનિયર પેરા નેશનલ એથ્લેટીક્સ ચેમ્પીયનશીપ-૨૦૧૫ માં ૧૦૦ મીટર દોડ- ગોલ્ડ મેડલ, ૨૦૦ મીટર દોડ- ગોલ્ડ મેડલ, લાંબી કુદ- સિલ્વર મેડલ મેળવ્યા.  ત્યારબાદ વધુ સઘન તાલીમ અર્થે  એથ્લેટીક્સ હેડ કોચ  ડૉ. મનસુખભાઈ તાવેથીયા અને તેમના એસોશિયેશન ધી સોસાયટી ફોર ફીજીકલી હેન્ડીકેપ્ડ- અમદાવાદના સેક્રેટરી કાંતિભાઈ પરમારની રજૂઆતના આધારે તેઓને વર્ષ-૨૦૧૫માં સ્પોર્ટ્સ એથોરીટી ઓફ ગજરાતના ડાયરેકર જનરલ સંદીપ પ્રધાન દ્વારા ખાસ કિસ્સામાં તેમને નડિયાદ ખાતે કોચ ડૉ. મનસુખભાઈ તાવેથીયાના માર્ગદર્શન હેઠળ પસંદગી કરવામાં આવી. નડિયાદ ખાતે તેમને વૈજ્ઞાનિક ઢબે તાલીમ, પૌષ્ટિક આહાર, સપ્લીમેન્ટસ, કીટ, જીમ, સ્પોર્ટ સ્ટાફ જેવી ખેલાડીને જરૂરી તમામ સુવિધા મળી, જેથી તેમણે ૧ વર્ષની સઘન તાલીમ બાદ હરિયાણા ખાતે આયોજિત ૧૬મી સિનિયર પેરા નેશનલ એથ્લેટીક્સ ચેમ્પીયનશીપ-૨૦૧૬ માં ૧૦૦ મીટર દોડ- ગોલ્ડ મેડલ, ૨૦૦ મીટર દોડ- ગોલ્ડ મેડલ, લાંબી કુદ- સિલ્વર મેડલ મેળવી, ૧૦૦ મીટર દોડ-૧૨.૯૯ સેકન્ડ અને ૨૦૦ મીટર દોડ- ૨૭.૯૮ સેકન્ડમાં પૂર્ણ કરી બન્ને રાષ્ટ્રીય રેકોર્ડ તેમના નામે કર્યા.

ત્યારબાદ ૨૦૧૬ મે મહિનામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ગાંધીનગર ખાતે પેરા વિભાગની એક નવી યોજના હેઠળ તેમની પસંદગી કરવામાં આવી, ત્યાં તેમના કોચ અપૂર્બા બિસ્વાસ દ્વારા ખુબ સારી તાલીમ આપવામાં આવી. અમુક સમય બાદ ફરીથી તેઓ નડિયાદ ખાતે એક્સપર્ટ કોચ અજીમોનના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી ઇન્ડોનેશિયા ખાતે આયોજિત ૩જી એશિયન પેરા ગેમ્સ-૨૦૧૮ માં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી ૧૦૦ મીટર દોડ અને ૨૦૦ મીટર દોડમાં પાંચમો નંબર મેળવી ઈતિહાસ રચ્યો. જગદીશભાઇ ઠાકોર તેમની આ સફળતાનો યશ તેમના પરિવાર, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, તમામ કોચ, એસોસિએશન અને સમાજને આપે છે.

  • સિદ્ધિઓ:-

- ઇન્ડોનેશિયા ખાતે આયોજિત ૩જી એશિયન પેરા ગેમ્સ-૨૦૧૮ માં ભાગ લીધેલ છે.

- ઉત્તરપ્રદેશ ખાતે આયોજિત ૧૫મી સિનિયર પેરા નેશનલ એથ્લેટીક્સ ચેમ્પીયનશીપ-૨૦૧૫ માં ૧૦૦ મીટર દોડ- ગોલ્ડ મેડલ, ૨૦૦ મીટર દોડ- ગોલ્ડ મેડલ, લાંબી કુદ- સિલ્વર મેડલ મેળવેલ છે.

- હરિયાણા ખાતે આયોજિત ૧૬મી સિનિયર પેરા નેશનલ એથ્લેટીક્સ ચેમ્પીયનશીપ-૨૦૧૬ માં ૧૦૦ મીટર દોડ- ગોલ્ડ મેડલ, ૨૦૦ મીટર દોડ- ગોલ્ડ મેડલ, લાંબી કુદ- સિલ્વર મેડલ મેળવેલ છે.

- રાજસ્થાન ખાતે આયોજિત ૧૭મી સિનિયર પેરા નેશનલ એથ્લેટીક્સ ચેમ્પીયનશીપ-૨૦૧૭ માં ૧૦૦ મીટર દોડ- ગોલ્ડ મેડલ, ૨૦૦ મીટર દોડ- ગોલ્ડ મેડલ મેળવેલ છે.

- બેંગ્લોર ખાતે આયોજિત ઇન્ડિયન ઓપન પેરા એથ્લેટીક્સ ચેમ્પીયનશીપ-૨૦૧૮ માં ૧૦૦ મીટર દોડ- ગોલ્ડ મેડલ, ૨૦૦ મીટર દોડ- ગોલ્ડ મેડલ મેળવેલ છે.

  • અન્ય સિદ્ધિઓ:

-  જગદીશ ઠાકોર હાલમાં નડિયાદ ખાતે ડીસ્ટ્રીક કોચ (Class-II Officer) તરીકે ફરજ બજાવે છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ - વિભાગ દ્વારા વર્ષ: ૨૦૧૪-૧૫ માં સરદાર પટેલ જુનિયર એવોર્ડ અને વર્ષ:૨૦૧૫-૧૬ માં સરદાર પટેલ સિનિયર એવોર્ડ મળેલ છે.

- સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તરફથી વર્ષ-૨૦૧૮માં ખેલ-પ્રતિભા પુરસ્કાર મળેલ છે.

  • સમાજનું યોગદાન:

- તેમની આ બહુમુલ્ય સિદ્ધિની કદર કરતા તેમને તલવાર, ટ્રોફી, પ્રમાણપત્રો, શાલ, શિલ્ડ દ્વારા ઠાકોર સમાજ દ્વારા તેમનું ૫૦ થી વધારે વખત જાહેર સન્માન કરવામાં આવ્યું છે.

(4:29 pm IST)