Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

મીણબત્તી સળગાવી જન્મદિવસની ઉજવણી કરવાની પરંપરાનો યુવાનોને ત્યાગ કરવા મુખ્યમંત્રીનું આહવાન

ઉજવણી ભારતીય પરંપરા-સંસ્કૃતિ મુજબ દિવો પ્રગટાવી સાથિયો દોરીને કરે તે જરૂરી છે.: વિજયભાઈ રૂપાણી

અમદાવાદ : યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીને તેમના 35મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે શુભેચ્છાઓ આપતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, યુવાનો તેમના જન્મદિવસની ઉજવણી ભારતીય પરંપરા-સંસ્કૃતિ મુજબ દિવો પ્રગટાવી સાથિયો દોરીને કરે તે જરૂરી છે. વેસ્ટર્ન કલ્ચરમાં મીણબત્તી સળગાવી જન્મદિવસની ઉજવણી કરવાની પરંપરાનો યુવાનોએ ત્યાગ કરવો જોઇએ. એક દિવાથી બીજો દિવો પ્રગટાવીને સૌના જીવનમાં પ્રકાશ લાવીએ. પર્યાવરણની દ્રષ્ટિએ પણ ધુમાડો નુકસાન કરે છે જ્યારે શુદ્ધ ઘીનો દિવો પર્યાવરણને વધુ શુદ્ધ કરે છે.

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના હસ્તે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના 35મા જન્મદિવસની વડોદરા ખાતે ઉજવણી નિમિત્તે જલ સંરક્ષણ જાગૃતિ અભિયાન અને ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો ગાંધીનગરથી મંગલ ઇ-શુભારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, વોટર હાર્વેસ્ટિંગને પ્રાધાન્ય આપીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના મંત્ર “જળ હૈ તો જીવન હૈ” પાણીને પારસમણી સમજી ઉપયોગ કરીએ. રાજ્ય સરકારે પાણીના જતન માટે અનેક પગલાં લીધા છે. વડોદરા જિલ્લાની સરકારી શાળાઓમાં વોટર હાર્વેસ્ટિંગનો સફળ પ્રયોગ હાથ ધર્યો છે. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા ઉભી કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરે તે ખૂબ જરૂરી છે. અગાઉના સમયમાં ઘરોમાં આ વ્યવસ્થા હતી જેને આપણે પુન: પ્રસ્થાપિત કરવા વ્રજરાજકુમારજીએ તેમના 35મા જન્મદિવસ નિમિત્તે આપણને પ્રેરણા આપી છે. ઊર્જાને સરપ્લસ સ્ટેટ બનાવવાનો આપણો સંકલ્પપૂર્ણ થયો છે તેમ પાણી ક્ષેત્રે પણ ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવવા આ અભિયાન પાયાની ભૂમિકા ભજવશે

(9:43 am IST)