Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં માનવભક્ષી દીપડાનો આતંક : મહિલાને સાથળના ભાગે હુમલો

દાહોદઃ જિલ્લામાં માનવભક્ષી દીપડાનો આતંક શનિવારે પર યથાવત્ રહ્યો છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં વનકર્મીની ટીમ માનવભક્ષી દીપડાને પાંજરે પૂરી નથી શકી ત્યારે હવે દેવગઢ બારિયા તાલુકાના અંતેલામા ગામમાં દીપડાએ એક મહિલા પર હુમલો કર્યો છે.

દીપડાએ મહિલાને સાથળના ભાગે હુમલો કર્યો હતો. દીપડાના હુમલા બાદ ઘાયલ થયેલી મહિલાને સારવાર માટે દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલી મહિલાની મુલાકાતે રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ સિવિલ હોસ્પિટલ આવી પહોંચી ગયા હતા. બીજી તરફ જિલ્લામાં દીપડાનો આતંક યથાવત્ રહેતા વન વિભાગની ટીમ વધારે સતર્ક બની છે.

દાહોદ જિલ્લામાં જ બનેલા બીજા એક બનાવમાં રેબારી ગામ ખાતે એક દીપડો પાણી ભરેલા કૂવામાં ખાબક્યો હતો. મળતી માહિતી પ્રમાણે શાહુડીને શિકાર કરવા જતાં દીપડો પાણી ભરેલા ઉંડા કૂવામાં પડી ગયો હતો. આ અંગેની જાણ કરવામાં આવ્યા બાદ વન વિભાગની ટીમ દોડી આવી હતી. વન વિભાગની ટીમે દીપડાને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યો હતો.

ધાનપુર તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી એક આદમખોર દીપડાએ આતંકી મચાવ્યો છે. જૂનાગઢ વન-વિભાગ તેમજ સ્થાનિક ટીમે દીપડાને પકડવા માટે અનેક યુક્તિઓ કરી રહી છે. દીપડાના હુમલાને કારણે અત્યાર સુધી ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે. સરહદ વિસ્તારમાં દીપડાના આતંક બાદ હવે વન વિભાગે તેને પકડવા માટે નવી નવી યુક્તિઓ શોધી કાઢી છે. આ માટે ઠેર ઠેર પાંજરા ગોઠવવામાં આવ્યા છે. શુક્રવારે રાત્રે દીપડાને પકડવા માટે વનવિભાગને ચાર કર્મીઓને જ એરગન સાથે પીંજરામાં બેસાડી દેવામાં આવ્યા હતા.

(12:34 pm IST)