Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

પોલીસ તંત્રના વડાઓ સાથે કાલે રૂપાણી બેઠક યોજશે

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા કરાશે : ક્રાઈમ કોન્ફરન્સ લઇને પ્રદિપસિંહ જાડેજા દ્વારા પણ એક દિવસ પૂર્વે પોલીસ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઈ

અમદાવાદ, તા.૧ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે ગુરુવારે સવારે રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાઓ, તમામ રેન્જના અધિકારીઓ, રેન્જના આઈજી, ડીઆઈજી તેમજ ડીજીપી ઉપરાંત રાજ્યના વિવિધ વિભાગોના વડાઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજશે. ખૂબ જ મહત્વની આ ક્રાઇમ કોન્ફરન્સમાં રાજયની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઇ મહત્વની ચર્ચા વિચારણા હાથ ધરાશે અને જરૂરી સૂચનો-અભિપ્રાયો મેળવાશે. રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી રીતે સારી અને અસરકારક બને તે માટેના પગલાં અને જરૂરી કાર્યવાહીને લઇને પણ ચર્ચા બેઠકમાં હાથ ધરાશે. બીજીબાજુ, મુખ્યમંત્રીની ક્રાઈમ કોન્ફરન્સને ધ્યાનમાં રાખીને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે બુધવારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરી હતી.  લોકસભાની ચૂંટણીઓ આવતા વર્ષે યોજાવાની છે આ ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પણ આવવાના છે ત્યારે  ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે બે તબક્કામાં ૧૦૦ કરતાં વધુ પોલીસ અધિકારીઓની બદલી અને બઢતીના હુકમો કર્યા હતા. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે પોલીસ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી. હવે બીજી વખત આવતીકાલે ગુરુવારે સવારે ૧૦.૩૦ વાગે સ્વર્ણીમ સંકુલ-૧માં પોલીસ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજવાના છે. આ ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડા, વિવિધ વિભાગોના પોલીસ વડાઓ, તમામ જિલ્લાના ડીએસપી ઉપરાંત રેન્જના આઈજી-ડીઆઈજી રેન્કના અધિકારીઓ હાજર રહેશે. ક્રાઈમ કોન્ફરન્સમાં કાયદો વ્યવસ્થા, દારૂબંધીની સખત અમલવારી તેમજ હવે તહેવારોઆવી રહ્યા છે ત્યારે કોઈપણ પ્રકારની મોટી ઘટનાઓ આકાર ન લે તેની ખાસ તકેદારી રખાય તે અંગે ચર્ચા વિચારણા કરાશે.

ક્રાઈમ કોન્ફરન્સને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન આપવા પોલીસના વિવિધ વિભાગો દ્વારા આંકડાઓ પણ તૈયાર કરી દેવાયા છે. મુખ્યમંત્રીને આવતીકાલની ક્રાઈમ કોન્ફરન્સમાં મળવા જતાં પહેલા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ડીજીપી ઉપરાંત અન્ય અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક પણ કરી હતી. ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી સાથેની ક્રાઈમ કોન્ફરન્સ સવારથી સાંજ સુધી ચાલે તેવી શક્યતા છે. તેમજ રાજ્યના તમામ પોલીસ વડાઓ અને રેન્જના આઈજી-ડીઆઈજી અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવશે. બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા જરૂરી સૂચનો પણ કરાશે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસેથી માર્ગદર્શક અભિપ્રાયો પણ મેળવાશે કે જેની અમલવારીમાં સરકાર મદદરૂપ થઇ શકે.

 

(8:14 pm IST)