Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

ઓનલાઇન શોપિંગ કોન્ટેસ્ટમાં કારના ઇનામની લાલચ આપી રૂપિયા પડાવતી ટોળકી પકડાઇ

દિલ્હીની ગેંગ બોગસ કોલસેન્ટર ચલાવતી હતી : ગુજરાત પોલીસને સફળતા

રાજકોટ, તા. ૧ :  ઓનલાઇન શોપિંગ કોન્ટેસ્ટમાં કાર તથા આઇફોન લાગી હોવાની લાભામણી લાલચ આપીને લોકોને છેતરતી દિલ્હીની ટોળકીને અમદાવાદ પોલીસે પકડી પાડી હતી.

અમદાવાદના ચાંદખેડામાં સુરેખાપાર્ક સોસાયટીમાં રહેતા કશ્યપભાઇ અમીને ચાંદેખેડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ગત વર્ષે તેમના મોબાઇલ પર હાર્દિક શુકલા નામની વ્યકિતએ ફોન કર્યો હતો. અને પોતે દિલ્હીમાં ન્યુ અશોકનગર ટુડે શોપમાં કંપની મેનેજર હોવાની ઓળ આપી હતી અને તમો અમારી કંપનીમાંથી સારી ઓનલાઇન ખરીદી કરતા હોવાથી તમારૂ નામ કંપનીની કોન્ટેસ્ટમાં સીલેકટ થયેલું છે.

કહીને કુરીયર દ્વારા લક્ષ્મીજીની મૂર્તિ તથા પાવર બેંક મોકલી આપી હતી, થોડા દિવસો બાદ ફોન કરીને તમોને ઇનામામાં  ડસ્ટરકાર અને બે આઇફોન લાગ્યા હોવાની જણાવ્યું હતું. ત્યારબાદ બહાના કાઢીને ટેક્ષ પેટે રૂપિયા રૂ. ૩.૮૭ લાખ મેળવી લઇને છેતરપીંડી કરી હતી.

આ કેસમાં સાઇબર ક્રાઇમના પી.આઇ., વી.બી. બારડની ટીમે ટેકનીકલ સર્વેલન્સના આધારે દિલ્હીમાં બોગસ કોલ સેન્ટર ચલાવતી ટોળકીને પકડી પાડી હતી. પકડાયેલા શખ્સોમાં દિલ્હી ન્યુ ફ્રેન્ડસ કોલોની ખાતે રહેતા સેમી શહનશાહ નસીરખાન તથા દિલ્હી રહેતા ઐશ્વર્યા ડી. યંગરાજ અને દિપક શર્મા, મોહિત શાહુ, જયોતિકુમારી પ્રસાદ સહિત નવ જણાની ધરપકડ કરી.

(3:38 pm IST)